અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 25-26 જાન્યુઆરીએ ઇન્ટરનેશનલ બ્રિટિશ મ્યુઝિક બેન્ડ કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાયો હતો. ત્યારે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC)એ 250-26 જાન્યુઆરી 2025એ અમદાવાદ મેટ્રોના ઇતિહાસમાં સૌથી વધુ મુસાફરોની સંખ્યા નોંધવામાં આવી હતી. 25 જાન્યુઆરીએ 2,13,735 મુસાફરો અને 26 જાન્યુઆરીએ 1,91,529 મુસાફરોએ મેટ્રોની સેવાનો લાભ લીધો હતો. કોલ્ડપ્લે કોન્સર્ટમાં શનિવાર અને રવિવારની સરખામણીમાં દરરોજ લગભગ એક લાખ લોકોએ મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરી હતી. આ દિવસોમાં દરરોજ 50,000 વધારાના મુસાફરોએ અવર-જવર માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ બે દિવસના કોન્સર્ટે અમદાવાદમાં રેકોર્ડબ્રેક રેકોર્ડ નોંધાવ્યા છે, જેમાં અમદાવાદ મેટ્રો ટેનમાં બે દિવસમાં 4.05 લાખથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. જેના માટે દર 8 મિનિટે મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી હતી.
દેશનાં વિવિધ શહેરોમાંથી લાખોની સંખ્યામાં આ બેન્ડના ચાહકો અમદાવાદ આવ્યા હતા. જેમાં મોટા ભાગના ચાહકો ફ્લાઈટ મારફતે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા, જેમાં સૌથી વધુ મહારાષ્ટ્ર, કર્ણાટક અને કોલકાતાથી મુસાફરો અમદાવાદ આવ્યા હતા.
છેલ્લા ત્રણ દિવસમાં 1,37,500 મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી ફ્લાઈટમાં અવરજવર કરી હતી. 24 જાન્યુઆરી કોન્સર્ટના એક દિવસ પહેલાં અમદાવાદ એરપોર્ટ પર કુલ 44,000 મુસાફરોએ અવરજવર કરી હતી. આ ઉપરાંત 320 ફ્લાઈટની આવજા રહી હતી. જેમાંથી 38 ચાર્ટર પ્લેન હતાં. 25 જાન્યુઆરીએ સૌથી વધુ 47,000 મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવરજવર કરી હતી તથા 340 ફ્લાઈટની આવજા રહી હતી જેમાં 40 ચાર્ટર્ડ પ્લેનની આવજા રહી હતી. જ્યારે 26 જાન્યુઆરી એ અમદાવાદ એરપોર્ટ પર 46,500 મુસાફરોની અવરજવર રહી હતી તથા 320 ફ્લાઈટની આવજા રહી હતી.