ગુજરાતમાં ફરી મોંઘવારી માજા મુકી રહી છે. પહેલા શાકભાજી બાદ હવે તેલના ભાવમાં વધારો થતા લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં સતત વરસાદના પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટી છે. તેમજ 15 દિવસમાં સિંગતેલનો ભાવ રૂપિયા 70થી 100 વધ્યો છે. તથા સિંગતેલના ડબ્બાનો ભાવ 2700એ પહોંચ્યો છે. સતત વરસાદના પગલે યાર્ડમાં મગફળીની આવક ઘટતા ચોમાસામાં તેલની માગ વધતા આ ભાવ વધારો થયો છે તેવું વેપારીઓ જણાવી રહ્યાં છે.
રાજકોટ અને સૌરાષ્ટ્રના યાર્ડમાં મગફળીની આવક ઘટી છે.યાર્ડમાં મગફળીની આવકમાં 100 ક્વિન્ટલનો ઘટાડો થયો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકમાં ઘટાડો થયો છે. સતત વરસાદના પગલે યાર્ડમાં મગફળીની આવકો ઘટી છે. આવકો ઘટતા મગફળીના ભાવમાં 30 રૂપિયા વધારા સાથે 1250 થયા છે. પીલાણ માટે મગફળીની આવકો ઘટતા સિંગતેલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે. ત્યારે દર વર્ષે તહેવારો ટાંણે જ ખાદ્ય તેલોમાં વધારો ઝીંકવામા આવ્યો છે. એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યાં બીજી તરફ, તેલના ભાવ લોકોને રડાવી રહ્યાં છે. બે મહિનામા ચોથીવાર સિંગતેલના ભાવમાં વધારો ઝીકવામાં આવ્યો છે. આ વખતે સીધો 15 દિવસમાં 100 રૂપિયાનો વધારો કરાયો છે.
સીંગતેલમાં સતત તેજીનો માહોલ જોવા મળ્યો છે. અષાઢી બીજ અને સાતમ આઠમના તહેવારમાં ખાદ્યતેલ મોંઘુ થયું છે. ઓફ સીઝન હોવા છતા ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ત્યારે હવે છેક દિવાળી સુધી સિંગતેલ મોંઘુ થતું જશે. તો બીજી તરફ, શાકભાજીના વધતા ભાવથી ગૃહણીઓ મુશ્કેલીમાં મૂકાઈ છે. મોટાભાગની શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. નક્કી કરેલા બજેટથી શાકભાજીના ભાવ વધુ થયા છે. ડુંગળી 100 રૂપિયા કિલો, બટેકા 100 રૂપિયા કિલો થયા છે. લસણ 400-500 રૂપિયા, તો આદું 260-280 રૂપિયા કિલો પર પહોંચ્યું છે.