રાજ્યની એમબીએ-એમસીએ કોલેજોમાં પ્રવેશ માટેનો કાર્યક્રમ જાહેર કરાયો છે. જેમાં વિદ્યાર્થીઓ 27મી જૂનથી લઇને 17મી જુલાઇ સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. પહેલા તબક્કામાં સીમેટ આપી હોય તેવા વિદ્યાર્થીઓને જ રજિસ્ટ્રેશન કરવા માટે સૂચના આપવામાં આવી છે. હાલમાં એમબીએની સરકારી 9 કોલેજોમાં 425 બેઠકો અને સ્વનિર્ભરની 123 કોલેજોમાં 13303 બેઠકો મળી કુલ 132 કોલેજોમાં 13728 બેઠકો ઉપલબ્ધ છે. જેની સામે એમસીએમાં સરકારી 9 કોલેજોમાં 310 અને સ્વનિર્ભરની 58 કોલેજોમાં 5780 મળી કુલ 67 એમસીએ કોલેજોમા 6090 બેઠકો ઉપલબ્ધ છે. આમ, બન્ને મળીને 19815 બેઠકો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
હજુ 13થી વધુ કોલેજોને મળી શકે છે મંજૂરી
આગામી દિવસોમાં હજુ એમબીએ-એમસીએની અંદાજે 13થી વધારે કોલેજોને મંજૂરી મળે તેવી શક્યતા છે. જેના કારણે પ્રવેશ સમિતિએ હાલમાં જે બેઠકોની વિગતો જાહેર કરી છે તેમાં વધારો થાય તેવી શક્યતા છે. હાલમાં સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોની 95 ટકા બેઠકો માટે સમિતિ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જ્યારે સ્વનિર્ભર કોલેજોમાં 50 ટકા બેઠકો પ્રવેશ સમિતિ દ્વારા ભરવામાં આવશે.
અનેક વખત સીમેટ કાઢી નાખવાની કરાઈ માંગ
ગુજરાત સિવાયના રાજ્યોના વિદ્યાર્થીઓ પણ સીમેટ આપી હોવાથી તેના મેરિટના આધારે રજિસ્ટ્રેશન કરાવી શકશે. જોકે, અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ માટે 5 ટકા બેઠકો અનામત રાખવામાં આવી છે. સીમેટના આધારે ગણતરીની બેઠકો જ ભરાતી હોવાથી રાજ્યમાં દર વર્ષે સીમેટ આપી નહોય તેવા વિદ્યાર્થીઓ માટે પણ અલગથી કાર્યવાહી કરવી પડે છે. અનેક વખત સીમેટ કાઢી નાંખવાની પણ માગણી ઊઠી હતી.
વિદ્યાર્થીઓ તા.19 થી 22 દરમિયાન ફી ભરી શકશે
એમ.બી.એ અને એમ.સી.એના પ્રવેશ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન બાદ તા.1 ઓગસ્ટના પ્રોવિઝનલ મેરીટ જાહેર થશે ત્યાર બાદ તા.4ના સીટ મેટીકસ તા.7 થી 9 ઓગષ્ટના દરમિયાન મોકચોઈસ ફિલીંગ 11 ઓગષ્ટના મોકરાઉન્ડ પરિણામ તા.14 ઓગષ્ટના ફાઈનલ મેરીટ લીસ્ટ તા.14 થી 17 સુધી પ્રથમ રાઉન્ડ ચોઈસ અને તા.19ના પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ બાદ વિદ્યાર્થીઓ તા.19 થી 22 દરમિયાન ફી ભરી શકશે.