સુશાંત સિંહ રાજપૂત મોત મામલે અભિનેત્રી રિયા ચક્રવર્તીને કોર્ટ તરફથી મળી રાહત

મુંબઈ: બોલીવુડ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. CBI દ્વારા બહાર પાડવામાં આવેલ લુક આઉટ સર્ક્યુલર હવે રદ રહેશે. સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો છે. કોર્ટે રિયાના ભાઈ અને તેના પિતાને પણ રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ તથા પિતા વિરુદ્ધ સીબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવેલા લુક આઉટ સર્ક્યુલરના કેસમાં બોમ્બે હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો છે.

સુપ્રીમ કોર્ટે CBIની અરજી ફગાવી દીધી હતી

માહિતી અનુસાર ફેબ્રુઆરીમાં બોમ્બે હાઈકોર્ટે રિયા ચક્રવર્તી અને તેના ભાઈ તથા પિતાની અરજી પર સીબીઆઈના લુક આઉટ સર્ક્યુલરને રદ કરી દીધો હતો. હાઈકોર્ટના આદેશને સીબીઆઈ દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે CBIની અપીલ ફગાવી દીધી છે. આનાથી રિયા અને તેના પરિવારને મોટી રાહત મળી.

આ કારણોસર લુક આઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો

ઓગસ્ટ 2020 માં રિયા, તેના ભાઈ, તેના પિતા અને તેની માતા વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર જારી કરવામાં આવ્યા હતા. સુશાંત સિંહ રાજપૂતના પરિવારે બિહારના પટનામાં કેસ દાખલ કરીને તેના મૃત્યુની તપાસની માંગ કરી હતી. બાદમાં આ કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં સીબીઆઈએ રિયા ચક્રવર્તી અને તેના પરિવાર વિરુદ્ધ લુક આઉટ સર્ક્યુલર બહાર પાડ્યો હતો. આ અંગે રિયાનો પરિવાર હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. રિયાની અરજી પર હાઈકોર્ટે લુક આઉટ સર્ક્યુલર રદ કરી દીધો હતો.

સુશાંત 14 જૂન 2020ના રોજ લટકતો જોવા મળ્યો હતો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત, 14 જૂન 2020ના રોજ તેના બાંદ્રા એપાર્ટમેન્ટમાં લટકતો મળી આવ્યો હતો. આ પછી પટના નિવાસી તેના પિતા કૃષ્ણ કિશોર સિંહની ફરિયાદ બાદ મુંબઈ પોલીસ અને બિહાર પોલીસે તપાસ શરૂ કરી હતી.

ફિલ્મો અને ટેલિવિઝનમાં જોરદાર અભિનય કર્યો

સુશાંતે કિસ દેશ મેં હૈ મેરા દિલ જેવા શો સાથે ટેલિવિઝનમાં તેની કારકિર્દીની શરૂઆત કરી અને એકતા કપૂરની પવિત્ર રિશ્તામાં તેની ભૂમિકાથી ખ્યાતિ મેળવી. બાદમાં તે ફિલ્મો તરફ વળ્યો અને એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી, છિછોરે અને દિલ બેચારા જેવી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો. સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા હતી.