નવી દિલ્હીઃ દુબઈથી સોનાની દાણચોરીમાં સામેલ કન્નડ અભિનેત્રી રાન્યા રાવને સોમવારે કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. કોર્ટમાં સુનાવણી દરમિયાન રાન્યાએ ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)ના અધિકારીઓ પર માનસિક ઉત્પીડન અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન તે કોર્ટમાં રડી પડી હતી. જ્યારે અધિકારીઓએ તેના આરોપોને ફગાવી દીધા છે અને કહ્યું હતું કે અભિનેત્રી તપાસમાં સહકાર નથી આપી રહી.
હાઈ-પ્રોફાઈલ સોનાની દાણચોરીના કેસમાં ધરપકડ બાદ અભિનેત્રીને શુક્રવારે આર્થિક અપરાધની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. રાન્યાએ DRI અધિકારીઓ પર ઉત્પીડનનો આરોપ મૂક્યો હતો.
કોર્ટે અભિનેત્રીને પૂછ્યું હતું કે શું તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો? આથી અભિનેત્રી કોર્ટમાં જ રડી પડી હતી અને DRI અધિકારીઓ પર માનસિક ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. રાન્યાએ કોર્ટને કહ્યું હતું કે ‘જો હું જવાબ નહીં આપું તો તેમણે મને ગર્ભિત ધમકી આપી છે કે હું કોર્ટમાં જવાબ નહીં આપું તો મારી સાથે તેઓ આગળ કંઈ પણ કરી શકે છે.
કોર્ટે રાન્યાને પૂછ્યું હતું કે શું પૂછપરછમાં થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેનો જવાબ આપતાં રાન્યાએ કહ્યું કે મને માર મારવામાં આવ્યો નથી. પરંતુ મારી સાથે ખરાબ વર્તન કર્યું હતું. જેના કારણે મને ઘણી માનસિક તકલીફ થઈ છે.
જોકે સામે પક્ષે રાન્યાના દાવાને ફગાવીને તેણે રાન્યા પર સવાલોના જવાબ ન આપવા અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન તપાસ અધિકારી (IO)એ કોર્ટને જાણ કરી હતી કે DRI અધિકારીઓ દ્વારા રાન્યાને કોઈ પણ પ્રકારની હેરાનગતિ કરવામાં આવી નથી.
