ધનુષે 2013 માં ‘રાંઝણા’ થી બોલિવૂડમાં જબરદસ્ત એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે સોનમ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી અને આ જોડીને ખૂબ પસંદ કરવામાં આવી હતી. ધનુષ અને સોનમ કપૂર ઉપરાંત, આનંદ એલ રાય દ્વારા દિગ્દર્શિત ‘રાંઝણા’ માં અભય દેઓલ, સ્વરા ભાસ્કર અને ઝીશાન અય્યુબ જેવા કલાકારો પણ જોવા મળ્યા હતા અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ સાબિત થઈ હતી.

વાત એમ છે કે તાજેતરમાં જ ફિલ્મ ફરીથી રિલીઝ થઈ હતી, પરંતુ મોટા ટ્વિસ્ટ સાથે. ફિલ્મનો ક્લાઈમેક્સ AI દ્વારા બદલીને તેને ફરીથી રિલીઝ કરવામાં આવ્યો હતો, જેનાથી ફિલ્મના ડિરેક્ટર આનંદ એલ રાય અને હીરો ધનુષ નિરાશ થયા છે. ધનુષે તાજેતરમાં સોશિયલ મીડિયા દ્વારા ફિલ્મના બદલાયેલા ક્લાઈમેક્સ પર નારાજગી વ્યક્ત કરી હતી.
ધનુષે X (પહેલાનું ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી, જેમાં તેણે AI દ્વારા રાંઝણાના ક્લાઇમેક્સ બદલવા પર નિરાશા વ્યક્ત કરી અને એક મોટી આગાહી પણ કરી. ધનુષે પોતાની પોસ્ટમાં લખ્યું,’AI દ્વારા બદલાયેલા ક્લાઇમેક્સ સાથે ‘રાંઝણા’ની ફરીથી રિલીઝથી મને સંપૂર્ણપણે દુઃખ થયું છે. આ નવા ક્લાઇમેક્સે ફિલ્મનો આત્મા છીનવી લીધો છે. મારો સ્પષ્ટ વાંધો હોવા છતાં સંબંધિત પક્ષોએ આ કર્યું.’
For the love of cinema 🙏 pic.twitter.com/VfwxMAdfoM
— Dhanush (@dhanushkraja) August 3, 2025
ધનુષે પોતાની પોસ્ટમાં AI વિશે એક મોટી ભવિષ્યવાણી કરી હતી અને તેને ફિલ્મના વારસા માટે ખતરો ગણાવ્યો હતો અને આગળ લખ્યું હતું કે,’આ એવી ફિલ્મ નથી જે હું 12 વર્ષ પહેલાં કરવા માટે સંમત થયો હતો. ફિલ્મો અથવા સામગ્રી બદલવા માટે AI નો ઉપયોગ કલા અને કલાકારો બંને માટે ખૂબ ચિંતાનો વિષય છે. વાર્તા કહેવાની કળા અને સિનેમાના વારસા માટે આ એક મોટો ખતરો છે. મને નિષ્ઠાપૂર્વક આશા છે કે ભવિષ્યમાં આવા કૃત્યોને રોકવા માટે કડક નિયમો બનાવવામાં આવશે.’
અગાઉ, ફિલ્મના દિગ્દર્શક આનંદ એલ રાયે પણ ફિલ્મના ક્લાઈમેક્સ બદલવા પર નારાજગી વ્યક્ત કરતી એક લાંબી પોસ્ટ શેર કરી હતી. તેમણે લખ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસો તેમના માટે ખૂબ જ પરેશાન કરનારા હતા કારણ કે તેમની ફિલ્મ ‘રાંઝણા’નો ક્લાઈમેક્સ તેમની ઇચ્છા વિરુદ્ધ, તેમને પૂછ્યા વિના બદલવામાં આવ્યો હતો અને બદલાયેલા ક્લાઈમેક્સ સાથે તેને ફરીથી રિલીઝ કરવામાં આવ્યો હતો. કોઈપણ દિગ્દર્શક માટે, આ તેમની ફિલ્મ બરબાદ થતી જોવા જેવું છે. જે વાત વધુ ખરાબ બનાવે છે તે એ છે કે આ બધું ખૂબ જ સરળતાથી કરવામાં આવ્યું હતું.




