બિહારમાં એકલા હાથે ચૂંટણી લડશે AAP

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે તેમની પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીમાં એકલી જ મેદાનમાં ઊતરશે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સાથે કોઈ પણ પ્રકારનું ગઠબંધન નહીં થાય. આગામી થોડા મહિનામાં બિહારમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આપ પક્ષ એમાં ઊતરતાં હવે જોવું રહ્યું કે તેને કારણે વિપક્ષને નુકસાન થાય છે કે નહીં.

કેજરીવાલે એ પણ જાહેર કર્યું હતું કે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને જીત નોંધાવશે. તાજેતરમાં AAPએ વિસાવદર બેઠકે થયેલી પેટા ચૂંટણીમાં જીત મેળવી હતી.

બિહારની વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષી મહાગઠબંધનમાં આરજેડી, કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (VIP)નો સમાવેશ થાય છે, જ્યારે સત્તામાં રહેલા NDAમાં જેડીયુ, ભાજપ, હિન્દુસ્તાની અવામ મોરચા, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ) અને રાષ્ટ્રીય લોક મોરચાનો સમાવેશ થાય છે.

કેજરીવાલે કહ્યું હતું કે છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ રાજ્યને બરબાદ કરવા માટે ભાજપે કોઈ કસર છોડી નથી. સુરતમાં આવેલી પૂર એ માનવસર્જિત પૂર છે, ભાજપના ભ્રષ્ટાચારનું પરિણામ છે. યુવાનોને રોજગાર નથી મળી રહ્યો. ખેડૂતોને યુરિયા મળતી નથી. તમામ વર્ગ ભાજપાથી નારાજ છે. છતાં ભાજપ સતત જીતતી રહી છે, કારણ કે લોકો પાસે વિકલ્પ નહોતો. બધાને ખબર છે કે કોંગ્રેસ તેમની જેબમાં છે. કોંગ્રેસ પર લોકોનો ભરોસો રહ્યો નથી.