નવી દિલ્હીઃ લુધિયાણાના પશ્ચિમી જિલ્લાના આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ગુરપ્રીત ગોગીનું ગોળી લાગવાથી મોત થયું છે. આ દુઘર્ટના તેમના ઘરે બની હતી. ગોગીના માથા પર ગોળી વાગી હતી. ત્યાર બાદ આ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ હતો. ગોળી વાગી હોવાની માહિતી મળ્યા બાદ તેમને લુધિયાણાની DMC હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે આ ઘટના બની હતી, ત્યારે તેઓ રૂમમાં એકલા હતા. AAP ધારાસભ્ય ગુરપ્રીત ગોગીનું મૃત્યુ કઈ રીતે થયું તેની તપાસ કરવામાં આવી રહી છે.
જોકે પોલીસનું કહેવું છે કે તેમની લાઇસન્સી પિસ્ટલને સાફ કરતા સમયે ગોગીનું ગોળી લાગવાથી મોત થયું હતું. આ કેસની તપાસ ચાલી રહી છે. આ અંગે તપાસ બાદ જ કંઈક કહી શકાશે.
લુધિયાણાના ડીસીપી જસકરણ સિંહ તેજાએ જણાવ્યું હતું કે ગુરપ્રીત ગોગીને હોસ્પિટલમાં મૃત જાહેર કરવામાં આવ્યા છે. તેમના મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. ડોક્ટરો પોસ્ટમોર્ટમ કરશે, ત્યાર બાદ મૃત્યુનું સાચું કારણ બહાર આવશે. તેમણે કહ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. સંપૂર્ણ તપાસ બાદ મોતનું કારણ જાણી શકાશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવવાનો બાકી છે. આ સિવાય ઘટનાના સમાચાર મળતાં જ ગુરપ્રીત ગોગીના ઘરે અને પછી હોસ્પિટલની બહાર તેમના સમર્થકોનો જમાવડો શરૂ થયો હતો.
VIDEO | AAP MLA from Ludhiana West Gurpreet Gogi was found dead earlier today. He died from gunshots. Further details are awaited. Visuals from outside his residence.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/iEN8fWBGC2
— Press Trust of India (@PTI_News) January 11, 2025
AAP ધારાસભ્ય ગુરપ્રીત ગોગીના આકસ્મિક નિધનના સમાચાર સાંભળીને શહેરમાં સનસનાટી મચી ગઈ છે. મોડી રાત્રે ગોગીના સમર્થકો અને નજીકના લોકો હોસ્પિટલ પહોંચ્યા હતા. ગુરપ્રીત ગોગી આમ આદમી પાર્ટી (AAP)ના હળકા પશ્ચિમના ધારાસભ્ય હતા. ફાયરિંગ પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. કહેવામાં આવી રહ્યું છે કે શુક્રવારે રાત્રે તેઓ પોતાની રિવોલ્વર સાફ કરી રહ્યા હતા અને તે દરમિયાન અચાનક એક ગોળી નીકળી જે સીધી તેમના માથામાં વાગી હતી. બીજી તરફ આ મામલાને આત્મહત્યા સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. જોકે હજુ સુધી પોલીસ દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે.