આાપ સરકારે રામ રહીમના કેસની ફાઇલો દબાવીઃ કોંગ્રેસ

ચંડીગઢઃ કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્ય પરગટ સિંહે ભગવંત માન સરકારની મંશા અને 2015ના બેઅદબી મામલાઓમાં ન્યાય આપવામાં થઈ રહેલા વિલંબ પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્યએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટી સત્તામાં આવ્યા પછી ડેરા સચ્ચા સૌદાના વડા રામ રહીમ સંબંધિત કેસોની ફાઇલો દબાવી દેવામાં આવી છે.

કોંગ્રેસ ધારાસભ્યે જણાવ્યું હતું કે ડેરાપ્રમુખ રામ રહીમ વિરુદ્ધ દોઢ વર્ષથી વધુ સમયથી કાર્યવાહીને મંજૂરી આપવામાં આવી નથી. મેં વિધાનસભામાં વારંવાર પ્રશ્નો ઊભા કર્યા છતાં સરકાર મૌન છે. એટલું જ નહીં, તેમણે પણ કહ્યું હતું કે 95 સભ્યોમાંથી એક પણ આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ આ મામલે ક્યારેય અવાજ ઉઠાવ્યો નથી.

માનને સોંપવામાં આવી હતી ફાઇલ – પરગટ સિંહ

કોંગ્રેસ ધારાસભ્યે કહ્યું હતું કે ડેરાના અનુયાયીઓ વિરુદ્ધના કેસો આપ પાર્ટી સાથે જોડાયેલી એક ષડયંત્ર હેઠળ પંજાબની બહાર ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને સિનિયર વકીલ એચ.એસ. ફુલ્કાએ પણ જાહેરમાં આ ષડયંત્રનું ભાંડો ફોડ્યો હતો. તેમણે કહ્યું હતું કે મેં 2022માં આપ સરકાર સત્તામાં આવ્યા બાદ રામ રહીમ વિરુદ્ધ કાર્યવાહીની મંજૂરી માગતી ફાઇલ CM ભગવંત માનને સોંપવામાં આવી હતી. ગૃહ વિભાગ પણ તેમના હાથમાં છે. ધારાસભ્યે કહ્યું હતું  કે હું આ મામલે ડિસેમ્બર, 2022માં તેમને મળ્યો હતો. મેં વિધાનસભામાં પણ ત્રણ વખત આ મુદ્દો ઉઠાવ્યો હતો, છતાં કંઈ થયું નથી.

કોંગ્રેસ સરકાર દરમિયાન કડક કાર્યવાહી કરવામાં આવી હતી. કોંગ્રેસ સરકારે જસ્ટિસ રણજિત સિંહ કમિશનની રચના કરી હતી અને તપાસ શરૂ કરી હતી. રાહુલ ગાંધી પંજાબ આવ્યા હતા અને લોકોને ન્યાય મળશે એ વચન આપ્યું હતું. જ્યારે કાર્યવાહી ધીમી પડી, ત્યારે કોંગ્રેસે પોતાનો મુખ્યમંત્રી બદલી નાખ્યો અને SIT તપાસને તેજ કરી, એમ તેમણે જણાવ્યું હતું.