નાગપુરઃ નાગપુરમાં 76 વર્ષના નિવૃત્ત મેડિકલ ઓફિસર “ડિજિટલ અરેસ્ટ” નામની ચાલાકીભરી છેતરપિંડીમાં લગભગ રૂ. બે કરોડ ગુમાવ્યા છે. આ ઘટના 23 માર્ચથી 3 એપ્રિલ વચ્ચે બની હતી. ઠગોએ પોતાને સુપ્રીમ કોર્ટ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED), મુંબઈ પોલીસ અને RBIના અધિકારી તરીકે રજૂ કર્યા અને ડોક્ટરને ડરાવ્યા હતા.
વિશ્વાસ જીતવા માટે ઠગોએ વોટ્સએપ પર સરકારી સીલ જેવા લાગતા નકલી દસ્તાવેજો મોકલ્યા. ડર અને ગભરાટને કારણે ડોક્ટરે તેમની દરેક વાત પર વિશ્વાસ કરી લીધો. ઠગોએ તેમને ધમકી આપી હતી કે તેમના ખાતાને “સુરક્ષિત” કરવા અથવા ચાલી રહેલી “તપાસ” પૂર્ણ કરવા માટે ઓનલાઇન પૈસા ટ્રાન્સફર કરવા પડશે. ભારે દબાણ હેઠળ ડોક્ટરે પોતાના બેંક ખાતામાંથી રૂ. બે કરોડ જેટલી મોટી રકમ ટ્રાન્સફર કરી દીધી હતી.આ મામલે નાગપુર સાયબર પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો અને IT એક્ટની કલમ 66 હેઠળ કેસ નોંધ્યો છે. હાલમાં તપાસ ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ ધરપકડ થઈ નથી.
ડિજિટલ અરેસ્ટ’ એટલું અસરકારક કેમ?
આ પ્રકારની છેતરપિંડીમાં ગુનેગારો પોતાને પોલીસ, CBI, ED, અન્ય સરકારી વિભાગો અથવા કોર્ટના અધિકારી તરીકે રજૂ કરે છે. તેઓ સરકારી ઓફિસ જેવું વાતાવરણ ઊભું કરે છે અને વિડિયો કોલ દ્વારા પીડિતને ધમકાવે છે. ઠગો પીડિતને કહે છે કે તેઓ વિડિયો ફ્રેમની બહાર જઈ શકતા નથી અને કોઈ સાથે વાત પણ કરી શકતા નથી. આ રીતે તેમને સતત નજર હેઠળ રાખવામાં આવે છે, જેને “ડિજિટલ અરેસ્ટ” કહેવામાં આવે છે.
તેઓ નકલી સરકારી સીલવાળા દસ્તાવેજો મોકલીને પીડિતને વિશ્વાસમાં લે છે અને તેમને કેમેરા સામે રહેવા મજબૂર કરે છે, જ્યાં સુધી તેઓ પૈસા ટ્રાન્સફર ન કરે.
શું ધ્યાનમાં રાખવું?
ધ્યાનમાં રાખવું જરૂરી છે કે કોઈ પણ સરકારી કચેરી, અધિકારી અથવા તપાસ એજન્સી વિડિયો કોલ દ્વારા તપાસ કરતી નથી. સાયબર નિષ્ણાતોએ ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને સાવધાન રહેવાની સલાહ આપી છે. જો કોઈ “ડિજિટલ અરેસ્ટ” અથવા “ફેક વોરંટ”ને નામે પૈસા અથવા વ્યક્તિગત માહિતી માગે તો તેમની ઉપર વિશ્વાસ ન કરો અને તરત જ પોલીસનો સંપર્ક કરો.

