નવી દિલ્હીઃ આસામ સરકારે પવન ખેડાના કેસમાં સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. કોંગ્રેસના નેતા પવન ખેડાના મામલે આસામ સરકારે તેલંગાણાના નિર્ણય સામે અરજી દાખલ કરી છે અને તેમને ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી જામીન આપવાના નિર્ણયને પડકાર્યો છે. તેલંગાણા હાઈકોર્ટે ખેડાને એક સપ્તાહ માટે ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી જામીન આપ્યા હતા.
બુધવારે સુનાવણી કરવાની માગ
આસામના મુખ્ય મંત્રી હિમંત બિશ્વ સરમાનાં પત્ની રિન્કી શર્મા વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોને લઈને આસામમાં નોંધાયેલા કેસ સંદર્ભે પવન ખેડાને એક સપ્તાહના ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી જામીન આપવામાં આવ્યા હતા. અસમ સરકારે CJI સૂર્યકાંત સમક્ષ બુધવારે આ મામલે સુનાવણી કરવા વિનંતી કરી છે.
હાઈકોર્ટે એક સપ્તાહની જામીન આપી
તેલંગાણા હાઇકોર્ટે કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાને આસામ પોલીસ દ્વારા નોંધાયેલા કેસમાં એક સપ્તાહના તાત્કાલિક એન્ટિસિપેટરી જામીન આપ્યા હતા. આ કેસ આસામના મુખ્ય મંત્રીની પત્ની વિરુદ્ધ કરવામાં આવેલા તેમના આરોપો સાથે સંબંધિત છે.
કોર્ટે રાખેલી શરતો
ન્યાયમૂર્તિ કે. સુજાનાએ સુનાવણી દરમિયાન કહ્યું હતું કે અરજદારને સંબંધિત કોર્ટમાં અરજી કરવા માટે એક સપ્તાહનો સમય આપવામાં આવે છે અને આ સમયગાળા માટે શરતો સાથે રાહત આપવામાં આવે છે.
આ શરતો મુજબ જો ધરપકડ થાય તો અરજદારને 1 લાખ રૂપિયાનું વ્યક્તિગત બોન્ડ અને એટલી જ રકમના બે જામીનદાર રજૂ કરવા પડશે.
એ સિવાય અરજદારને તપાસમાં સહકાર આપવો પડશે, તપાસ અધિકારી બોલાવે ત્યારે હાજર રહેવું પડશે અને કોર્ટની મંજૂરી વગર દેશ છોડવો નહીં. આદેશમાં એ પણ કહેવામાં આવ્યું છે કે અરજદાર નિર્ધારિત સમયગાળામાં આસામની અદાલતમાં રાહત માટે અરજી કરશે અને જાહેર વ્યક્તિ તરીકે એવા નિવેદનો આપવાથી દૂર રહેશે જે તપાસને પ્રભાવિત કરી શકે.
આખો મામલો શો છે?કોંગ્રેસ નેતાએ 5 એપ્રિલે આરોપ લગાવ્યો હતો કે આસામના મુખ્ય મંત્રીનાં પત્ની રિન્કી ભુઇયાં સરમા પાસે ઘણા દેશોના પાસપોર્ટ અને વિદેશમાં સંપત્તિઓ છે, જેના ખુલાસા નવ એપ્રિલના વિધાનસભા ચૂંટણી માટેના ચૂંટણી સોગંદનામામાં કરવામાં આવ્યા નથી.
ખેડા વિરુદ્ધ ગૌહાટી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ ધારાઓ હેઠળ કેસ નોંધાયો છે, જેમાં ધારા 175 (ચૂંટણી સંબંધિત ખોટું નિવેદન), 35 (ખાનગી બચાવનો અધિકાર) અને 318 (છેતરપિંડી) સામેલ છે.

