IRCTC ભ્રષ્ટાચાર મામલે લાલુ યાદવ, તેજસ્વી યાદવ સામે ચાલશે કેસ

નવી દિલ્હીઃ રાઉઝ એવન્યુ કોર્ટે IRCTC ભ્રષ્ટાચાર કેસમાં આરોપ નક્કી કર્યા છે. આ કેસમાં RJDના નેતાઓ લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સામે કેસ ચાલશે. દિલ્હી કોર્ટે માન્યું છે કે બધાની સામે આરોપ છે અને આરોપીઓની દલીલો સાથે અસહમતી વ્યક્ત કરી છે.

કોર્ટે લાલુ પ્રસાદ યાદવ, રાબડી દેવી અને તેજસ્વી યાદવ સહિત તમામ આરોપીઓની હાજરીમાં આરોપ નક્કી કર્યા છે. કોર્ટે માન્યું છે કે લાલુ યાદવે પોતાનો પ્રભાવ વાપરીને ટેન્ડર પ્રક્રિયામાં હસ્તક્ષેપ કર્યો, જેને કારણે રેલવેને આવકનું નુકસાન થયું.કોર્ટે માન્યું છે કે લાલુ યાદવે ષડયંત્ર રચ્યું હતું. — હોટેલનો કોન્ટ્રેક્ટ આપવાને બદલે રાબડી દેવી અને તેજસ્વી યાદવને ઓછી કિંમતમાં જમીન આપવામાં આવી. એ દરમિયાન લાલુ યાદવે આરોપ સ્વીકારવાનો ઇન્કાર કરતાં કહ્યું હતું કે અમે કેસનો સામનો કરીશું. રાબડી દેવી અને તેજસ્વી યાદવે પણ આરોપ સ્વીકાર્યા વગર કહ્યું હતું કે અમે કેસનો સામનો કરીશું.

વિશેષ ન્યાયાધીશ વિશાલ ગોગનેએ 24 સપ્ટેમ્બરે ભૂતપૂર્વ રેલ મંત્રી લાલુ પ્રસાદ યાદવ, તેમની પત્ની અને બિહારનાં ભૂતપૂર્વ CM રાબડી દેવી, તેમનો પુત્ર તેજસ્વી યાદવ તથા અન્ય આરોપીઓને 13 ઓક્ટોબરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો હતો.

આ કેસ રાંચી અને પુરી સ્થિત બે IRCTC હોટેલોના ટેન્ડર પ્રક્રિયામાં થયેલા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલો છે. કોર્ટે આરોપીઓની સંડોવણીને આધારે અલગ-અલગ કલમો હેઠળ આરોપ નક્કી કર્યા હતા. રાબડી દેવી અને તેજસ્વી યાદવ પર ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 420 (છેતરપિંડી) અને 120બી (ષડયંત્ર) હેઠળ આરોપ મૂકવામાં આવ્યા છે.