આર્જેન્ટિનામાં 7.5 ની તીવ્રતાનો ભૂકંપ:ચિલી સુધી સુનામીની ચેતવણી

નવી દિલ્હીઃ આર્જેન્ટિનામાં 7.5 ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવ્યો છે. આ કારણે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે. આ ભૂકંપ દક્ષિણ આર્જેન્ટિનાના ઉશુઆઇયાથી 222 કિલોમીટર દક્ષિણમાં ડ્રેક પેસેજ (પાણીની અંદર) સ્થાનિક સમય અનુસાર બપોરે આશરે એક કલાકે- ભારતીય સમય મુજબ સાંજે 6.30 વાગ્યે આવ્યો હતો.

આ ભૂકંપના કેન્દ્રબિંદુની સમુદ્રમાં ઊંડાઈ 10 કિમી હતી. યુએસ ભૂસ્તરશાસ્ત્રીય સર્વે અનુસાર, એક જ સ્થળે 15 મિનિટની અંદર 5.4, 5.7 અને 5.6 ની તીવ્રતાના ત્રણ આફ્ટરશોક આવ્યા. ડ્રેક પેસેજ એ દક્ષિણ અમેરિકાના કેપ હોર્ન, ચિલી, આર્જેન્ટિના અને એન્ટાર્કટિકાના દક્ષિણ શેટલેન્ડ ટાપુઓ વચ્ચેનો સમુદ્રી વિસ્તાર છે. વહીવટી તંત્રે લોકોને ઊંચાં સ્થળોએ જવા જણાવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સુનામીની ચેતવણીના સાયરન વાગવા લાગી છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. એક દિવસ પહેલાં આર્જેન્ટિનામાં પણ 5.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

આર્જેન્ટિનાના પડોશી દેશ ચિલીના દરિયાકાંઠાના વિસ્તારોને પણ એલર્ટ પર કરવામાં આવ્યું છે. આ ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે દરિયાઈ મોજાં ચિલીના પ્યુઅર્ટો વિલિયમ્સ સુધી પહોંચી શકે છે. ચિલીની રાષ્ટ્રીય આપત્તિ સેવાએ દક્ષિણ કિનારાના લોકોને ખાલી કરાવવાની હાકલ કરી છે. આ માટે સ્થાનિક અધિકારીઓને સૂચનાઓ આપવામાં આવી છે.

ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિકે કહ્યું કે દેશ પાસે ભૂકંપનો સામનો કરવા માટે તમામ સંસાધનો છે. તેમણે સોશિયલ મિડિયા પોસ્ટમાં કહ્યું કે અમે લોકોને મેગેલન વિસ્તારમાં બીચથી દૂર જવા અપીલ કરીએ છીએ. આ સમયે આપણે અધિકારીઓની સૂચનાઓનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે.યુએસ સુનામી ચેતવણી પ્રણાલી આગામી એક કલાકમાં બીજી ચેતવણી જારી કરશે.

પૃથ્વી મોટી ટેક્ટોનિક પ્લેટો પર ટકી છે. તેની નીચે પ્રવાહી લાવા છે. આ પ્લેટો સતત તરતી રહે છે અને ક્યારેક એકબીજા સાથે અથડાય છે. ઘણી વખત એ અથડામણને કારણે, પ્લેટોના ખૂણા વાંકા થઈ જાય છે અને વધુપડતા દબાણને કારણે આ પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં, નીચેથી આવતી ઊર્જા બહાર આવવાનો રસ્તો શોધે છે અને આ ખલેલ પછી ભૂકંપ આવે છે. જ્યારે ટેક્ટોનિક પ્લેટો પૃથ્વીથી કેટલાક માઇલ નીચે ખસે છે, ત્યારે સેંકડો અણુ બોમ્બ જેટલી ઊર્જા બહાર આવે છે.