લોકસભા બાદ હવે રાજ્યસભાના 34 સાંસદો પણ સસ્પેન્ડ

સંસદના શિયાળુ સત્રમાં સોમવારે પણ બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોએ ભારે હંગામો કર્યો હતો. સંસદની સુરક્ષામાં ભંગના મુદ્દે હંગામો મચાવવા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પાસેથી જવાબ માંગવા બદલ અત્યાર સુધીમાં કુલ 81 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શુક્રવારે બંને ગૃહોમાંથી કુલ 14 સાંસદોને સસ્પેન્ડ કર્યા બાદ આજે એટલે કે સોમવારે સ્પીકરે લોકસભામાંથી વધુ 33 સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. બીજી તરફ રાજ્યસભામાં હંગામો મચાવતા અધ્યક્ષે 34 સાંસદોને સસ્પેન્ડ કરી દીધા છે. જો આ રીતે જોઈએ તો અત્યાર સુધીમાં 81 સાંસદો સામે કાર્યવાહી કરવામાં આવી છે. કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીનું નામ પણ લોકસભામાં સ્પીકરે સસ્પેન્ડ કરેલા સાંસદોમાં સામેલ છે. આ સાથે કોંગ્રેસ અને ટીએમસી સહિત અનેક વિપક્ષી પાર્ટીઓના સાંસદો સામેલ છે. દયાનિધિ મારન અને સૌગતા રોયને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘણા સસ્પેન્ડેડ સાંસદોના નામ પણ આજે સામે આવ્યા છે.

 

સસ્પેન્ડ કરાયેલા સાંસદોનું લિસ્ટ

સંસદની સુરક્ષામાં ભંગનો વિરોધ

વાસ્તવમાં સત્ર શરૂ થયા બાદ વિપક્ષી સાંસદો સંસદની સુરક્ષામાં ભંગનો વિરોધ કરી રહ્યા હતા. પ્લેકાર્ડ સાથે વિરોધ કરવા માટે ઘણા સાંસદો આવ્યા હતા. આ તમામ સાંસદોને ગૃહની બાકીની મુદત માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભા સાંસદો અબ્દુલ ખાલિક, વિજય વસંત અને કે જયકુમારના સસ્પેન્શનનો મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યો છે. વિપક્ષના સાંસદો એ વાત પર અડગ છે કે દેશના ગૃહમંત્રી અમિત શાહે સંસદની સુરક્ષામાં થયેલા ભંગ અંગે ગૃહમાં નિવેદન આપવું જોઈએ.