અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટે સામાજિક કાર્યકરની રેગ્યુલર જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આ સાથે હાઈકોર્ટે 2002ના ગોધરા રમખાણ કેસની આરોપી તિસ્તાને તાત્કાલિક કોર્ટમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે. તિસ્તા પર નિર્દોષ લોકોને ફસાવવા માટે ષડયંત્ર રચવાનો અને નકલી પુરાવા બનાવવાનો આરોપ છે. આ કેસમાં અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં કેસ નોંધાયા બાદ ગયા વર્ષે 25 જૂને તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળી ગયા હતા.
ત્યારથી તે જેલની બહાર છે. તાજેતરમાં તિસ્તાએ રેગ્યુલર જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં શનિવારે સુનાવણી કરતા ગુજરાત હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે. તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટમાં થઈ હતી. તેમની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે પહેલાથી જ જેલની બહાર હોવાથી તેણે તાત્કાલિક આત્મસમર્પણ કરવું જોઈએ.
આ કેસમાં તિસ્તા સેતલવાડની સાથે પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમાર અને પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ પણ આરોપી છે. ગુજરાત પોલીસે ગયા વર્ષે 25 જૂને બંનેની ધરપકડ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બંનેને કોર્ટમાં રજૂ કર્યા હતા અને પોલીસ કસ્ટડી રિમાન્ડ પર લીધા હતા અને પૂછપરછ બાદ ગયા વર્ષે 2 જુલાઈના રોજ તેમને જેલમાં મોકલી આપ્યા હતા.
જેલમાં ગયા બાદ તિસ્તા સેતલવાડે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને સપ્ટેમ્બર 2022માં તેમને વચગાળાના જામીન પણ મળી ગયા. આ પછી તે જેલમાંથી બહાર આવી હતી. ગુજરાત પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસના ત્રણ આરોપીઓ, તિસ્તા સેતલવાડ, IPS શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ પર પુરાવાઓ ઘડવાનો અને નિર્દોષ લોકોને ફસાવવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. પોલીસે તેમની વિરુદ્ધ આઈપીસી કલમ 468, 471 છેતરપિંડી અને પુરાવા સાથે ચેડા કરવા બદલ 194, ઉપરાંત નિર્દોષ લોકોને ફસાવવા બદલ કલમ 211 હેઠળ કેસ નોંધ્યો હતો.