ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળવાના છે. આજે ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા છે. દર વર્ષે ચુસ્ત સુરક્ષા વચ્ચે આ યાત્રા કાઢવામાં આવે છે. અમદાવાદ રથયાત્રા ઔપચારિક રીતે મંગળા આરતીથી શરૂ થાય છે. ભાવિ ભક્તોને ભગવાન જગન્નાથજી આજે દર્શન આપશે. પોલીસ પણ રથયાત્રાની સુરક્ષાને લઇને સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી નજર રખાશે. ભક્તોનો વહેલી સવારથી જ મંદિરમાં જમાવડો જોવા મળી રહ્યો છે. રથયાત્રાના દર્શન માટે શ્રદ્ધાળુઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ,ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બીરાજીને નગરચર્યાએ નીકળતા હોય છે. બલભદ્રજીના રથનું નામ તાલધ્વજ છે. બલભદ્રજીના રથની ધ્વજાને ઉન્ના કહેવાય છે. બલભદ્રજીના રથના દોરડાને વાસુકી કહેવાય છે. સુભદ્રાજીના રથનું નામ પદ્મધ્વજ છે. સુભદ્રાજીના રથના દોરડાનું નામ સ્વર્ણચૂડ છે. તો જગન્નાથજીના રથનું નામ નંદીઘોષ છે. જગન્નાથજીના રથના દોરડાનું નામ શંખચૂડ છે. જગન્નાથજીના રથની ધ્વજાને ત્રિલોક્યવાહિની કહેવાય છે. જગન્નાથજીના રથની ઊંચાઈ સૌથી વધારે હોય છે.