પોરબંદરથી ATSએ પકડેલા આતંકીઓને 13 દિવસના રિમાન્ડ

ગુજરાત ATSની ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ISKPના આતંકી મોડ્યૂલનો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત ATSની ટીમે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલા ત્રણ લોકોની પોરબંદરથી અટકાયત કરી લીધી હતી. આ ત્રણ લોકો પોરબંદરથી ઇરાન થઇને અફઘાનિસ્તાન જવાના હતા. આ ત્રણેયની પૂછપરછમાં સુરતની એક મહિલાનો પણ ખુલાસો થતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે.

આ કેસમાં પોરબંદર સેશન્સ કોર્ટે તમામ આરોપીઓને આગામી 22 તારીખ સુધી એટલે કે 13 દિવસના રિમાન્ડ મંજૂર કરી દીધા છે. મહિલા આરોપી સહિતના તમામ આરોપીઓને અમદાવાદ એટીએસની જેલમાં બંધ રાખવામાં આવશે. જ્યાં આગળની કાર્યવાહી કરતાં વધારે પૂછપરછ કરવામાં આવશે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી અનુસાર, રિમાન્ડ દરમિયાન આઈએસને લગતી વધારે સઘન માહિતી સામે આવી શકે છે.

 

શું હતો પ્લાન?

ગુજરાત એ.ટી.એસને માહિતી મળી હતી કે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સાથે સંકળાયેલ ત્રણ કટ્ટરવાદી યુવાનો પોરબંદરના દરિયાકાંઠાના માર્ગે ભારત છોડી હિજરત કરવાની યોજના બનાવી રહ્યા છે. આ ત્રણેય વ્યક્તિઓ ઇરાન થઇને અફઘાનિસ્તાન જવાના હતા. આ માહિતીના આધારે ગુજરાત એ.ટી.એસની ટીમે 9 જૂન વહેલી સવારે પોરબંદર રેલ્વે સ્ટેશન પર ચાંપતી નજર રાખી હતી અને આ ત્રણેય યુવકોને આઇડેન્ટીફાઇ કરી વધુ પૂછપરછ માટે અટકાયત કરાઇ હતી. આ ત્રણેય વ્યક્તિ શ્રીનગરના હોવાનું જાણવા મળ્યુ હતુ અને તેમના હેન્ડલર અબુ હમઝા દ્વારા કટ્ટરપંથી બન્યા હતા અને તેઓ ઇસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસન પ્રોવિન્સ (ISKP)માં જોડાયા હતા.

વધુ પૂછપરછમાં જાણવા મળ્યુ કે અન્ય બે વ્યક્તિ, ઝુબેર અહેમદ મુનશી (શ્રીનગર) અને સુમેરાબાનુ મોહમ્મદ હનીફ મલેક સૈયદપુરા, સુરત પણ ISKPના આ જ મોડ્યૂલના સભ્યો છે અને અટકાયત કરાયેલા આ ત્રણેય વ્યક્તિની સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યુ હતુ. હવે આ તમામ આરોપીઓને પોલીસ રિમાન્ડ હેઠળ મોકલી દેવામાં આવ્યા છે. તેથી આગળ પણ ચોંકાવનારી માહિતી સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.