સુપ્રીમ કોર્ટે બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર લગાવ્યો સ્ટે

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે વર્ષ 2006ના મુંબઈ ટ્રેન વિસ્ફોટ કેસમાં જોડાયેલા તમામ 12 આરોપીઓને નિર્દોષ ઠેરવતા બોમ્બે હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે લગાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે 22 જુલાઈએ 2006ના ટ્રેન વિસ્ફોટ કેસમાં 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરતાં હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે 11 જુલાઈ 2006S મુંબઈની અલગ-અલગ લોકલ ટ્રેનોમાં થયેલા સાત વિસ્ફોટના કેસમાં તમામ 12 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.

હાઈકોર્ટના નિર્ણય બાદ તમામ આરોપીઓને છોડી મૂકવામાં આવ્યા હતા, પરંતુ સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણયને મહારાષ્ટ્ર સરકારની જીત માનવામાં આવી રહી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ટ્રેન વિસ્ફોટ કેસમાં જે 12 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે તેમની પુનઃ ધરપકડ નહીં કરવામાં આવે. જોકે કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું કે હાઈકોર્ટનો નિર્ણય કોઈ મિસાલ નહીં બને અને તેનો અન્ય મકોકા કેસો પર કોઈ અસર નહીં પડે.

હાઈકોર્ટનો આ નિર્ણય મુંબઈના પશ્ચિમ રેલવે નેટવર્કને હચમચાવી નાખનારા આ આતંકવાદી હુમલા પછી લગભગ 19 વર્ષ બાદ આવ્યો છે. આ હુમલામાં 180થી વધુ લોકોનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. આ નિર્ણય મહારાષ્ટ્રના આતંકવાદ વિરોધી દળ (ATS) માટે ખૂબ શરમજનક ગણાયો છે, જેમણે આ કેસની તપાસ કરી હતી. એજન્સીનો દાવો હતો કે આરોપીઓ પ્રતિબંધિત સંગઠન સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઈન્ડિયા (સિમી)ના સભ્ય હતા અને પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈબા (LeT)ના પાકિસ્તાની સભ્યો સાથે મળી આ ષડયંત્ર રચ્યું હતું.