નડિયાદ: સાચા અર્થમાં ગુજરાતી ભાષાને માતૃભાષા તરીકે સ્થાન આપતાં 34 વર્ષથી વિદેશ-સ્થિત રેખા પટેલના વધુ ત્રણ પુસ્તકોનું વિમોચન વિશ્વ માતૃભાષા દિવસની પૂર્વ સંધ્યાએ યોજાયું. આ પ્રસંગે ગુજરાતી સાહિત્યના જાણીતા લેખક અને સર્જક ડૉ. બળવંતભાઈ જાની, પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, સંગીત અને સૂરોના સર્જક અરવિંદભાઈ બારોટ, દેવલ શાસ્ત્રી તથા મારુલબેન પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત હતા. મઝાના ભાવકો અને તેમના પતિ વિનોદભાઈ પટેલની ઉપસ્થિતિ તેમની માટે ખૂબ અગત્યની હતી.કાર્યક્રમને દીપકભાઈએ સંચાલિત કર્યો હતો. શરુવાતમાં રેખાબેનેનાં સહપાઠી દેવલભાઈ શાસ્ત્રીએ તેમના સંસ્મરણો સાથે લેખનયાત્રાને બિરદાવી. અરવિંદભાઈ બારોટે જ્યારે તેમના પુસ્તક ‘બંધ ડ્રોવર’ વિશે વાત કરતાં જણાવ્યું કે આ લઘુનવલ વાંચતા છ વખત તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. ખુબ ભાવપૂર્ણ અને હ્ર્દયસ્પર્શી લખાણ છે.
આ વાત રેખાબેન માટે ખુબ સન્માનીય હતી. સાહિત્યના શબ્દ, વિચાર અને પ્રસ્તુતિ વિશે વાત કરતા વિષ્ણુભાઈ પંડ્યાએ કહ્યું હતું કે આ લેખિકા ગુજરાતી સાહિત્યના કપાળ પરની સુંદર બિંદી છે, જે હજુ વધુ શોભિત થશે.
બલવંતભાઈ જાનીએ રેખાબેનના લખાણને તેમની લઘુવાર્તાના પુસ્તક ‘સંવેદનાનું સિમકાર્ડ’ને સાચા અર્થમાં માઈક્રોફિક્સન વાર્તાઓ ગણાવી હતી અને એક ડાયસ્પોરા લેખિકા અને પરદેશમાં માતૃભાષાને ટકાવી રાખનાર લેખકોની યાદીમાં મૂકી સમ્માન આપ્યું હતું.આજકાલના ઢગલાબંધ કાર્યાક્રમોની વચ્ચે વ્યસ્ત રહેતા ભાષાને સમર્પિત લેખકો સાથે રેખાબેન માટે આ પ્રસંગ અંગત અને સહજ છતાં ખાસ હતો. તેમના જણાવ્યાં પ્રમાણે એક સ્ત્રીને જાહેરમાં પોતાના વિશે કંઈ બોલવાની વાત એટલે, દીકરી અને પત્ની પછી પોતાની અલગ ઓળખાણ હોવાનો ખુબસુરત અહેસાસ. તેમના પરિવારમાં કોઈએ લેખક કે પત્રકાર તરીકે પોતાની ઓળખ ઉભી કરી નથી. ત્યાં પહેલાના નવ અને આજે ત્રણ એમ કુલ ૧૨ પુસ્તકો તેમના નામે પબ્લીશ થયા છે. માત્ર લેખન પ્રવૃત્તિને કારણે પ્રથમ કવિયત્રી અને પછી લેખક તરીકેની અલગ પહેચાન મળી છે. જીવનનો મોટાભાગનો સમય વિદેશમાં વ્યતીત થયો હોવા છતાં તેમના ભારતીય મૂળિયાં હજુ છુટ્યા નથી. આજ કારણે તેમના લખાણોમાં બે દેશની ભેગી સંસ્કૃતિનું મિશ્રણ વાંચવા મળશે.
ખેડા જિલ્લાનાં નાનકડાં ગામ વાલવોડમાં જન્મ થયો અને ઉછેર ભાદરણમાં થયો હતો. ગામના જીવનમાં બાળપણ મસ્તીથી છલોછલ વીત્યું સાથે સંયુક્ત કુટુંબમાં ઉછેર થયો. પતિ વિનોદનો સાથ, સરળ અને પ્રેમાળ રહ્યો છે, જેના કારણે જીવન ખુબ સુખી અને સમૃદ્ધ છે. જેની પોઝિટિવ અસર તેમના લખાણોમાં જણાય છે. બે વર્ષ પહેલા “અજાણ્યો હમસફર અને ધુમ્મસનાં ફૂલ” એજ જગ્યા ઉપર ફરી ત્રણ પુસ્તકો મનીષભાઈ અને તેમના ઝેડકેડ ગ્રુપ સાથે પબ્લીશ થયા.પ્રથમ પુસ્તક “જીવનના રંગ અનેક”
જેમાં ૩૯ લેખો જેમાં માનવ જીવનની પ્રગટ-અપ્રગટ એવી અગણિત લાગણીઓના વહેણને નાના દાખલાઓ સાથે લખાણને સરળતાથી સમજી શકાય તેવો હકારાત્મકત પ્રયત્ન કરેલો છે.
બીજું પુસ્તક “સંવેદનાનું સીમકાર્ડ”
જેમાં માનવીય જીવનની અલગ અલગ સંવેદનાઓ અને વિચારોનું પ્રતિબિંબ આપતું 58 ટૂંકી વાર્તાઓનું પુસ્તક છે. જીવનની અસંખ્ય પળોને જેમ કેમેરાના નાનકડાં સીમકાર્ડમાં સમાવી લેવાય છે. તેમ ટૂંકી વાર્તાઓ સ્વરૂપે જીવનની અને આસપાસના બનાવોના ચડાવ-ઉતારને, પ્રેમ અને લાગણીઓના વ્યક્ત-અવ્યક્ત સ્પંદનોને માર્મિક અંત સાથે ટૂંકાણમાં વાંચકો સમક્ષ મુકવાનો પ્રયાસ રહેલો છે. આ વાર્તાઓમાં અમેરિકન અને ભારતીય કલ્ચરનું મિશ્રણ જોવા મળશે.
ત્રીજી અને સાવ અલગ એવી લઘુનવલ “બંધ ડ્રોવર”
આ લઘુનવલમાં શબ્દોથી વ્યક્ત થવા ટળવતી લાગણીઓથી ભરચક ભરાયેલી બે ડાયરીની અધુરી દાસ્તાં છે. બે ડાયરીની વ્યક્ત-અવ્યક્ત લાગણીઓને તારીખોના પાને-પાને કંડારવાનો નવીન એક પ્રયત્ન કર્યો છે. બંધ ડ્રોવર એ માત્ર એક વાર્તા નથી, પરંતુ એ નાયકનું આત્મમંથન છે. જેમાં દરેક વાંચકને તેમના દિલના ખૂણાને ફંફોસવા માટે મજબૂર કરી શકે છે. લાગણીઓને ઘૂંટી-ઘૂંટીને લખાયેલી આ લઘુનવલ ચોક્કસ હજારો સ્પદંન જગાવશે, તેની રેખા પટેલને ખાતરી છે.
