ભારતનું તેજસ ફાઈટર જેટ દુબઈ એર શો દરમિયાન ક્રેશ

દુબઈ: અહીં આયોજિત એર શો દરમિયાન ભારતનું સ્વદેશી ફાઈટર જેટ LCA તેજસ અચાનક ક્રેશ થઈ ગયું. આ દુર્ઘટના સ્થાનિક સમય અનુસાર બપોરે 2.10 વાગ્યે થઈ. ભારતીય સમય મુજબ બપોરે 3:40 વાગ્યે આ અકસ્માત થયો હતો. હજારો દર્શકો દુબઈ એર શો દરમિયાન ત્યાં લડાકૂ વિમાનના કરતબ જોઈ રહ્યા હતા. તે દરમિયાન જ આ દુર્ઘટના સર્જાઈ હતી. સમગ્ર મામલે ભારતીય વાયુસેના દ્વારા સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે.

ભયાનક વિસ્ફોટ
અલ મકતૂમ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેજસ વિમાન કરતબ કરી રહ્યું હતું, ત્યારે અચાનક જ તેણે નિયંત્રણ ગુમાવ્યું. ગણતરીની સેકન્ડમાં વિમાન સીધું જ જમીન પર ક્રેશ થયું. ક્રેશ થતાંની સાથે જ મોટો વિસ્ફોટ થયો અને આગ લાગી ગઈ. દુબઈ એર શોમાં દુનિયાભરના વિવિધ દેશો પોતાના ફાઈટર જેટ મોકલતા હોય છે.

પાયલટનું મૃત્યું
તેજસના પાઇલટનું પણ આ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ભારતીય વાયુસેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. ક્રેશ થતાં જ વિમાનમાં આગ લાગી ગઈ હતી અને એરપોર્ટ પર કાળા ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. આ અકસ્માત બાદ ભારતીય વાયુસેનાએ ફાઇટર પ્લેન ક્રેશ થવા પાછળનાં કારણોની તપાસ માટે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીની રચના કરી છે.

આ બીજી ઘટના

વાયુસેનાના તેજસ જેટ ક્રેશ થવાની આ બીજી ઘટના છે. અગાઉની ઘટના 2024માં રાજસ્થાનના પોખરણમાં એક યુદ્ધાભ્યાસ દરમિયાન એન્જિન ફેલ થવાને કારણે દુર્ઘટના બની હતી.