કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાની આગામી આત્મકથા ‘બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ’માં પોતાના જીવનના એક મુશ્કેલ સમય વિશે ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું છે કે પતિ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 1991માં હત્યા થયા બાદ તેઓ રાજકારણથી દૂર રહેવા માગતાં હતાં. એટલું જ નહીં, તેમના સંતાનો રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ ઇચ્છતાં નહોતાં કે તેમની માતા રાજકારણમાં પ્રવેશ કરે. જોકે, પરિવારની જવાબદારી અને કોંગ્રેસની કથળતી સ્થિતિ વચ્ચે ચાલતા આંતરિક સંઘર્ષનો જવાબ તેમને ભગવદ્ ગીતાના અભ્યાસમાંથી મળ્યો હતો.

રાહુલ અને પ્રિયંકા પણ રાજકારણમાં આવવાની વિરુદ્ધ હતાં
સોનિયા ગાંધીએ પુસ્તકમાં લખ્યું છે કે રાજીવ ગાંધીની હત્યા બાદ તેઓ જાહેર જીવનથી દૂર રહીને પરિવાર સાથે સમય પસાર કરવા માગતાં હતાં. ધીમે-ધીમે તેઓ એકાંતમાંથી બહાર આવ્યાં અને સામાજિક કાર્યક્રમોમાં ભાગ લેવા લાગ્યાં હતાં. આ દરમિયાન રાજીવ ગાંધીના કેટલાક જૂના સહયોગીઓ તેમને મળવા આવતા અને કોંગ્રેસમાં સક્રિય ભૂમિકા ભજવવા વિનંતી કરતા હતા.
પરંતુ સોનિયા આ બાબતે કોઈ નિર્ણય લેવા તૈયાર નહોતાં. તેમના બાળકો રાહુલ અને પ્રિયંકાને પણ ડર હતો કે જો તેમની માતા રાજકારણમાં આવશે તો તેમને પણ કોઈ નુકસાન થઈ શકે છે. તેથી બંનેએ સોનિયાના રાજકારણમાં પ્રવેશનો વિરોધ કર્યો હતો.
સોનિયાએ લખ્યું કે રાજકારણમાં રહેલી સત્તાની લાલચ, મહત્વાકાંક્ષા, દંભ અને વિશ્વાસઘાત જેવી બાબતો તેમને આ દુનિયાથી દૂર રહેવા માટે પ્રેરિત કરતી હતી.
કોંગ્રેસની કથળતી સ્થિતિથી વધતી હતી ચિંતા
1996ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. પાર્ટી પોતાના દમ પર સરકાર બનાવી શકી નહોતી અને ત્યારબાદ આંતરિક જૂથવાદ તથા મતભેદો વધવા લાગ્યા હતા.
સોનિયાએ પુસ્તકમાં કોંગ્રેસના નેતાઓ દ્વારા પાર્ટી છોડવાની ઘટનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે. 1995માં અર્જુન સિંહ, એન.ડી. તિવારી અને મોહસિના કિદવાઈ જેવા વરિષ્ઠ નેતાઓના એક જૂથને સમર્થન આપવા માટે તેમને કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે તેમ કરવાનો ઇનકાર કર્યો હતો.
આગળ જતાં અનેક નેતાઓએ અલગ રાજકીય પક્ષો બનાવ્યા. વર્ષ 1997માં મમતા બેનર્જીએ પણ કોંગ્રેસ છોડીને તૃણમૂલ કોંગ્રેસની સ્થાપના કરી હતી. આ સ્થિતિમાં સોનિયા પર પાર્ટીનું નેતૃત્વ સંભાળવાનું દબાણ વધી રહ્યું હતું.
ભગવદ્ ગીતાના અભ્યાસથી મળ્યો નિર્ણય લેવાનો માર્ગ
સોનિયાએ જણાવ્યું કે તે સમયે તેઓ માનસિક રીતે ખૂબ જ પરેશાન અને એકલતા અનુભવતાં હતાં. તેમને કોઈ એવા માર્ગદર્શનની જરૂર હતી, જે તેમના ડર અને શંકાઓ દૂર કરી શકે.તેમણે ફરીથી ભગવદ્ ગીતાનો અભ્યાસ શરૂ કરવાનો નિર્ણય લીધો. સોનિયાના જણાવ્યા અનુસાર, તેઓ યુવાવસ્થામાં પણ ગીતા વાંચી ચૂક્યાં હતાં, પરંતુ આ વખતે તેના ઉપદેશોને સમજવાની જરૂરિયાત વધુ અનુભવી રહી હતી.
તેમણે પોતાના કાર્યાલયને કોઈ વિદ્વાનની શોધ કરવા કહ્યું, જે ઘરે આવીને તેમને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી શકે. ત્યારબાદ પ્રોફેસર વાચસ્પતિ ઉપાધ્યાય સાથે સંપર્ક થયો. પરિવાર તેમને ‘શાસ્ત્રીજી’ કહીને બોલાવતો હતો.
જાન્યુઆરી 1997માં સોનિયાએ રાજીવ ગાંધીના પુસ્તકાલયમાંથી પસંદ કરેલી સંસ્કૃત ભગવદ્ ગીતાની આવૃત્તિ સાથે અભ્યાસ શરૂ કર્યો. તેમાં દરેક શ્લોકની નીચે હિન્દી અને અંગ્રેજી ભાષામાં અનુવાદ આપવામાં આવ્યો હતો.
‘નિષ્કામ કર્મ’ના સંદેશે બદલી વિચારધારા
સોનિયાએ પુસ્તકમાં જણાવ્યું છે કે જ્યારે ભગવદ્ ગીતાનો અભ્યાસ અંતિમ તબક્કામાં પહોંચ્યો અને ભગવાન શ્રીકૃષ્ણના નિષ્કામ કર્મના ઉપદેશને સમજ્યા, ત્યારે તેમને પોતાના પ્રશ્નોના જવાબ મળવા લાગ્યા. તેમણે લખ્યું કે હવે તેમને સમજાયું હતું કે પોતાના ડર અને શંકાઓથી આગળ વધીને જ્યાં તેમની ફરજ બોલાવી રહી છે ત્યાં જવું જરૂરી છે.
આ રીતે ભગવદ્ ગીતાના ઉપદેશે તેમને રાજકારણમાં પ્રવેશવા અંગે નિર્ણય લેવામાં મદદ કરી. સોનિયા ગાંધીના આ ખુલાસાથી તેમના અંગત જીવનના સંઘર્ષ, પરિવારની ચિંતા અને કોંગ્રેસના નેતૃત્વ સુધીની સફરનો એક નવો અને મહત્ત્વપૂર્ણ પાસો સામે આવ્યો છે.






