શિયાળાની ઋતુ શરૂ થાય એટલે અમદાવાદીઓને નળસરોવર અવશ્ય યાદ આવે. અમદાવાદ સહિતના દેશ-વિદેશના પક્ષી પ્રેમીઓ અને કુદરતને માણનારા આ સરોવરની આસપાસ અલભ્ય પક્ષીઓ જોવા પહોંચી જાય છે. નળસરોવર પક્ષી અભયારણ્ય, જે મુખ્યત્વે 120.82 ચોરસ કિલોમીટર (46.65 ચોરસ માઇલ) તળાવ અને આસપાસના ભેજવાળી જમીનનો સમાવેશ કરે છે. તે સાણંદ ગામ નજીક અમદાવાદની પશ્ચિમે લગભગ 64 કિમી દૂર આવેલું છે. મુખ્યત્વે શિયાળામાં અહીં યાયાવર પક્ષીઓ વસવાટ કરે છે. નળસરોવરને ગુજરાતનું સૌથી મોટું વેટલેન્ડ પક્ષી અભયારણ્ય પણ કહે છે. એપ્રિલ 1969માં તેને પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યું હતું.
નળસરોવર ખાતે પક્ષી-નિરીક્ષણ કરવા માટે બર્ડ વોચર બોટ સાથે સૂર્યોદય સમયે નીકળે છે. શિયાળામાં અહીં પક્ષીઓની 210થી વધુ પ્રજાતિઓ જોવા મળતી હોય છે. આ વેટલેન્ડમાં તમને વિવિધ પ્રકારના છોડ અને પ્રાણીઓને પણ જોવા મળી જાય છે. લુપ્તપ્રાય જંગલી ગધેડા અને કાળા હરણ સહિતની કેટલાંક સસ્તન પ્રાણીઓ અહીં જોવા મળતા હોય છે. પક્ષીઓની જો વાત કરવામાં આવે તો અહીં ગુલાબી પેલિકન, ફ્લેમિંગો, સફેદ સ્ટોર્ક, બ્રાહ્મણી બતક, જાંબલી મૂરહેન, બિટર્ન્સની ચાર પ્રજાતિઓ, ક્રેક્સ, ગ્રીબ્સ, બતક (રડ્ડી શેલડક) અને બગલાનો સમાવેશ થાય છે. ચોમાસાની ઋતુ પછી તરત જ હજારો સ્થળાંતર કરનારા પાણીના પક્ષીઓ આ અભયારણ્યમાં આવે છે. છીછરા વિસ્તાર અને સરોવરની બહારના કિનારે આવેલા આસપાસના તળાવોના છીછરા પાણીમાંથી મળતો ખોરાક આ પક્ષીઓને અહીં આવવા માટે આકર્ષે છે. નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી વચ્ચે નળસરોવર સ્વદેશી અને યાયાવર પક્ષીઓના વિશાળ ટોળાઓનું ઘર બની જાય છે.
અભયારણ્યની મુલાકાત વ્યક્તિગત વાહન, ટેક્સી દ્વારા દિવસના પ્રવાસ તરીકે શ્રેષ્ઠ રીતે થઈ શકે છે. આ સિવાય બસો પણ અવાર-નવાર આવતી હોય છે. પ્રવાસીઓ માટે પાર્કિંગથી લઈને કેટલીક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ છે. તળાવની જગ્યા સુધી વાહનો જઈ શકે એવી વ્યવસ્થા છે. પાર્કિંગ પણ ઉપલબ્ધ છે. જે લગભગ 1 કિમી જેટલું છે. તળાવની મુલાકાત લેવાનો સમય સવારે 6 થી સાંજના 5:30 સુધીનો છે. મુલાકાતી અને કેમેરા દીઠ પ્રવેશ ફી હોય છે. પક્ષીઓની અલભ્ય પ્રજાતિઓ જોવા માટે સરોવર પર દેશી નૌકાઓ ભાડે રાખી શકાય છે. જો કે નૌકાવિહાર માટે તમારે સ્થાનિક બોટમેન સાથે વાટાઘાટો કરવાની જરૂર રહેશે. જો કે ગેટ પર નિયત દરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નળ સરોવર પહોંચવાનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલાનો છે. કારણ કે તળાવ શાંત હોય છે અને પક્ષીઓના ટોળા તેમના નિયમિત ખોરાકની રાહ જોતા હોય છે. તળાવમાં પાણી લગભગ 4 ફૂટ ઊંડું હોય છે. આ વિસ્તારમાં લોક નર્તકો, કારીગરો અને હોડીવાળા જોવા મળશે. વિશાળ સરોવર પર ટાપુઓ પણ છે એની ઉપર ખુલ્લા મેદાનમાં અસંખ્ય લોકો પિકનિકની મજા માણે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)