અમદાવાદ: વરસાદની ઋતુ સાથે તહેવારો ઉત્સવ અને મેળાની શરૂઆત થઈ ગઈ છે. શ્રાવણ મહિનાની વદ પાંચમનો દિવસ જેમાં ગુજરાતના મોટાભાગના પરિવાર ઘરમાં નાગ પાંચમીની પૂજા કરી ઉજવણી કરે છે. અનેક ધર્મ, પ્રાંત, સંપ્રદાય, પરંપરાથી ભરેલો ભારત દેશ પૃથ્વી પરના અસંખ્ય જીવોને પૂજે છે. એમાંય હિંદુ ધર્મમાં અનેક જીવોને ભગવાનનો દરજ્જો આપી પૂજવામાં આવે છે. એમનાં મંદિરો પણ બનાવવામાં આવે છે. લાખો જીવોનું કલ્યાણ થાય, સન્માન થાય અને પૂજા થાય એવી દરેક માટે પ્રાર્થના પણ હિંદુ ધર્મમાં કરવામાં આવે છે. પૃથ્વી પરના જીવ નાગનું પૂજન નાગપાંચમીના દિવસે કરવામાં આવે છે.પુરાણોમાં, દંત કથાઓમાં અને વિવિધ પ્રાંતોમાં નાગના મહત્વ નો ઉલ્લેખ સદીઓથી કરવામાં આવ્યો છે. નાગને દેવતા રૂપે રજૂ કરી એના મંદિરો બનાવી પૂજા અર્ચના પણ કરતો ભારતમાં એક મોટો વર્ગ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ દેશના મોટા ભાગના ખેડૂત સાપ અને નાગને સકારાત્મક દ્રષ્ટિએ જૂએ છે. સંસ્કૃતિ અને આસ્થાને કારણે ઘણાં પ્રાંતના લોકો નાગનું પૂજન કરે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)