મુંબઈ: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા શ્રી મુમ્બાદેવી મંદિર પ્રાથમિક કન્યાશાળા અને શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાને મહારાષ્ટ્રની 70 શાળાઓમાંથી સતત ત્રીજી વખત માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરૂદ આપવામાં આવ્યું. તે ખૂબ જ ગૌરવની વાત છે. શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા વર્ષ 2023- 24 માં શતાબ્દી વર્ષ ઉજવી રહી છે.
શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મીનાબેન ખેતાણી, ટ્રસ્ટી ભાવેશભાઈ વોરા, ટ્રસ્ટી પિયુષભાઈ અવલાણીની હાજરીમાં માધ્યમિક શાળાના આચાર્યા નંદાબેન ઠક્કર અને પ્રાથમિક વિભાગના આચાર્યા રીટાબેન રામેકર તેમજ સર્વ શિક્ષિકા બહેનોને મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશભાઈ મહેતાએ ઉત્તમ શાળાની ટ્રોફી એનાયત કરી હતી.
આ સ્પર્ધા માટે માતૃભાષાની ઉત્તમ શાળા માટેના પાંચ માપદંડ રાખવામાં આવે છે. આ માપદંડને લગતી બધી જ પ્રવૃત્તિઓ શાળામાં થાય છે. જેમ કે,
૧) પાયાકિય સુવિધા – મકાન , પુસ્તકાલય , રમત ગમતના સાધનો, કોમ્પ્યુટર લેબ વગેરે અહીં છે
૨) ભણતરનું સ્તર – સર્વાંગીણ વિકાસ, ટેકનોલોજીનો ઉપયોગ, નવી નવી રીત, સમયની સાથે બદલાવ વગેરે
૩) સંચાલક – આચાર્યા – શિક્ષકોનો સમન્વય
૪) સ્વાવલંબી બનાવવા માટેના પગલાં – ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાઓ , વાલીઓનો સમન્વય
૫) દૂરંદેશી – શાળાની પ્રગતિ માટે કરેલા પ્રયત્નો.
માતૃભાષામાં ભણતરના શિખરો સર કરતાં કરતાં વિવિધ ક્ષેત્રે જેમ કે રમતગમત, નૃત્ય, સંગીત, ચિત્રકલા, સ્પોકન ઈંગ્લિશ, Vedic Maths, scratch graphic course, Advanced Computer, Abacus ના વર્ગો, મૂલ્યો પર આધારિત શિક્ષણ, એકાત્મતા સ્તોત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠન પણ કરાવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકની અંતાક્ષરી પણ વિદ્યાર્થિનીઓ રમે છે. વિદ્યાર્થિનીઓએ આંતરશાળા સ્તરે, રમત-ગમતમાં જિલ્લા સ્તરે સુવર્ણચંદ્રક, રજતચંદ્રક હાંસલ કર્યા છે. વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, નૃત્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, એકપાત્રીય અભિનયમાં દર વર્ષે ઇનામો મેળવે છે.
આ વર્ષે આંતરરાષ્ટ્રીય ભજનોત્સવ સ્પર્ધામાં પણ બંને વિભાગના આચાર્યા બહેનો, શિક્ષિકા બહેનો, વિદ્યાર્થિનીઓએ, તેમના પરિવારોએ ઘણાં પારિતોષિક મેળવ્યાં છે. શાળામાંથી N.T.S., N.M.M.S.,શિષ્યવૃત્તિની પરીક્ષાઓ વિદ્યાર્થિનીઓ આપે છે. દર વર્ષે N વોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં પણ શાળા પારિતોષિક મેળવી રાજ્ય સ્તરે આગળ વધે છે.