અમદાવાદઃ આવતી 17 ઓક્ટોબરથી ઓમાન અને યૂએઈમાં રમાનાર ટ્વેન્ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા માટે ભારતીય ટીમની ઘોષણા કરી દેવામાં આવી છે. વિરાટ કોહલીના નેતૃત્ત્વ હેઠળની ટીમના માર્ગદર્શક (મેન્ટર) તરીકે ભૂતપૂર્વ કેપ્ટન અને વિકેટકીપર મહેન્દ્રસિંહ ધોનીની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સેક્રેટરી જય શાહે કહ્યું છે કે, ‘ધોનીની નિમણૂક માત્ર T20 વર્લ્ડ કપ-2021 પૂરતી જ કરવામાં આવી છે. આ ઓફરનો ધોનીએ સ્વીકાર કર્યો છે એનાથી મને બહુ ખુશી થઈ છે.’ આ ભૂમિકા સ્વીકારવા માટે જય શાહે ધોની સાથે દુબઈમાં વાતચીત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ધોનીએ આઈપીએલને બાદ કરતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની ગયા વર્ષની 15 ઓગસ્ટે જાહેરાત કરી હતી. એના નેતૃત્ત્વ હેઠળ ભારતે 2007માં સૌપ્રથમ ટી-20 વર્લ્ડ કપ સ્પર્ધા જીતી હતી. યૂએઈમાં યોજાનાર સ્પર્ધામાં ધોની હેડ કોચ રવિ શાસ્ત્રીની આગેવાની હેઠળના સપોર્ટ સ્ટાફ તથા કોહલીની ટીમ સાથે મળીને કામગીરી બજાવશે. આમ, કોહલીને ફરી ધોનીની મદદ અને માર્ગદર્શનનો લાભ મળશે. આઈપીએલ-2021ના બીજા ચરણની મેચો 19 સપ્ટેમ્બરથી યૂએઈમાં રમાવાની છે. ધોની તેમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો કેપ્ટન છે. ટીમના સાથીઓ સાથે પ્રેક્ટિસ કરવા ધોની ગયા મહિને જ દુબઈ આવી પહોંચ્યો હતો. જય શાહ પણ ગયા મહિને દુબઈમાં હતા ત્યારે એમણે ધોનીને ટીમ ઈન્ડિયાના મેન્ટર બનવાની ઓફર કરી હતી. ધોનીએ તરત જ એનો સ્વીકાર કર્યો હતો. જય શાહે કહ્યું કે ધોનીની નિમણૂક કરતા પહેલાં તેમણે વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રી સાથે ચર્ચા કરી હતી.
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ-કેપ્ટન), કે.એલ. રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભૂવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી. (સ્ટેન્ડ-બાય ખેલાડીઓ છેઃ શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર, દીપક ચાહર)
સ્પર્ધા 17 ઓક્ટોબરથી શરૂ થશે અને 14 નવેમ્બરે દુબઈમાં ફાઈનલ મેચ રમાશે.