કોરોના, કોરોના, કોરોના! બસ, આ એકવીસ દિવસના લોકડાઉન પિરિયડમાં કોરોના જ કોરોના સંભળાઇ રહયું છે અને રહેવાનું છે, ત્યારે ચિત્રલેખા ના વરિષ્ઠ પત્રકાર કેતન મિસ્ત્રી અહીં એવી કેટલીક ફિલ્મોની વાત માંડે છે, જે આ પ્રકારના મેડીકલ ડીઝાસ્ટર પર બની હોય.
બસ, બહાર નીકળવાનું તો છે નહીં એટલે સમય પસાર કરવા નેટફ્લીક્સ કે એમેઝોન લોગ ઇન કરો અને જોવા માંડો…
————————————————————–
સ્વૈચ્છિક એકાંતવાસમાં કેટલીક એવી ફિલ્મની વાત, જે હાલના કોવિડ-19ના સમયમાં રેલેવન્ટ છે. ચેક ધિસ આઉટઃ
પેસિફિક લાઈનર (1939) : આ ઈન્ટરેસ્ટિંગ ફિલ્મનો સમયકાળ છે 1932. એસએસ આર્કટોરસ નામની સ્ટીમર શાંઘાઈથી સાન ફ્રાન્સિસ્કો જઈ રહી છે. આ સ્ટીમરમાં એક કોલેરાગ્રસ્ત પેસેન્જર પોતાની બીમારી છૂપાવીને પ્રવાસ કરી રહ્યો છે. મુશ્કેલી ત્યારે શરૂ થાય છે, જ્યારે સ્ટીમરની ધોરી નસ જેવા બોઈલર રૂમમાં કામ કરતા કર્મચારીઓને કોલેરાનો ચેપ લાગે છે. સ્ટીમરના ડૉક્ટર ક્રેગ રોગ વધુ ન પ્રસરે એ માટે ચીફ એન્જિયરને સેનિટાઈઝેશન, ક્વૉરન્ટાઈન ને આઈસોલેશન જેવાં પગલાં લેવાનું સૂચન કરે છે, જેનો એન્જિનિયર વિરોધ કરે છે. પછી શું થાય છે એ તમે જાતે જ જાણી લો, ફિલ્મ જોઈને.
આઉટબ્રેક (1995) : આ મેડિકલ ડિઝાસ્ટર ફિલ્મમાં આફ્રિકાના જંગલમાંથી અમેરિકા આવેલો એક વાંદરો કેવી તબાહી મચાવે છે એની વાત છે. મોટાબા નામનો ખતરનાક વાઈરસ લઈને આવ્યો છે આ વાનર. ખરેખર તો એને અમેરિકામાં બદઈરાદાથી ઘુસાડવામાં આવ્યો છે. મોટાબાનો ચેપ ધીરે ધીરે કેલિફોર્નિયાથી પ્રસરવા માંડે છે. આ વાઈરસ જેને વળગે એને ઝેરીલો તાવ આવે ને એનાથી એનું મોત થાય. એ પછી ફોકસમાં આવે છે ઘાતક વાઈરસનો ઈલાજ શોધી રહેલા આર્મી ડૉક્ટર્સ. 1995ની આ સુપરહીટ મૂવીમાં મોર્ગન ફ્રીમૅન-ડસ્ટિન હોફમૅન-કેવિન સ્પેસી જેવા કલાકાર હતા.
પૉન્ટિપૂલ (2008) : આ કપોળ કલ્પિત કેનેડિયન હૉરર મૂવીની પૃષ્ઠભૂ છે કેનેડાના ઓન્તારિયોની નજીક આવેલું નાનકડું નગર પૉન્ટિપૂલ. અહીંનો રેડિયો ઍનાઉન્સર ગ્રાન્ટ મેઝી (સ્ટિફન મૅકહાટ્ટી) એક દિવસ શ્રોતાને એક ખતરનાક વાઈરસ વિશે ચેતાવણી આપે છે, જે બોલવાથી થાય છે. વાઈરસના ત્રણ તબક્કા છેઃ પહેલા તબક્કામાં તમે એકનો એક શબ્દ સતત રીપીટ કર્યા કરો છો. બીજા તબક્કામાં તમારા ભાષા સ્ક્રેમ્બ્લ્ડ થઈ જાય છે મતલબ તમે જે કહેવા માગો છો એ કહી નથી શકતા, વ્યક્ત નથી કરી શકતા, ત્રીજો તબક્કો ખતરનાક છે. એમાં તમારી સ્થિતિ એ હદે વણસી જાય છે કે એમાંથી બચવાનો એકમાત્ર રસ્તો છે જાતને ચાવી ખાવાનો.
કન્ટેજન (2011) : હાલ સૌથી વધારે ચર્ચા આ ફિલ્મની થઈ રહી છે. નવેક વર્ષ પહેલાં આવેલી આ ફિલ્મમાં ઘણા એવા સીન છે, જે આજે આપણે જોઈ રહ્યા છીએ. જેમ કે, ફિલ્મનાં વિવિધ પાત્રો વાઈરસથી શિરદર્દ અનુભવે છે, એમને તાવ-ઉધરસ આવે છે, એમની રોગપ્રતિકારક શક્તિ ખલ્લાસ થવા માંડે છે, સ્કૂલ-યુનિવર્સિટી બંધ કરી દેવામાં આવે છે, ધડાધડ નવી હૉસ્પિટલ બાંધવામાં આવે છે, લોકો ઉપયોગી ચીજવસ્તુ લેવા પડાપડી કરી મૂકે છે, બધા માસ્ક પહેરતા થઈ જાય છે. હમણાં ફિલ્મના લેખક સ્કોટ બર્ન્સનો એક લેટેસ્ટ ઈન્ટરવ્યૂ જોવામાં આવ્યો. એ કહી રહ્યા હતા કે દસેક વર્ષ પહેલાં મારા પપ્પા મને બર્ડ ફ્લુ વિશે કહી રહ્યા હતા ત્યારે મગજમાં દિમાગની બત્તી જલીઃ ધારો કે એક ખતરનાક વાઈરસ કોઈ વિકસિત દેશમાં પ્રસરી જાય તો? આ વિચાર સાથે મેં સાયન્સ ફિક્શન લખવાની શરૂઆત કરી. સ્ટિવન સોડરબર્ગને વાર્તા ગમી ગઈ ને એમણે ટોચના સ્ટાર્સને લઈને ફિલ્મ બનાવી.
વાયરસ (2019): નિપા (NIPAH) વાયરસ વિશેની ફિલ્મ હજી ગયા વર્ષે જ આવી. 2018માં કેરળમાં ફાટી નીકળેલા આ વાયરસને કારણે 17નાં મૃત્યુ થયાં હતાં. ચામાચીડિયાની ટેરોપોડિડા પ્રજાતિ આ વાયરસનો મૂળ સ્ત્રોત હોવાનું જાણવા મળેલું. કોટ્ટાયમના 41 વર્ષી દિગ્દર્શક આશિક અબુએ 2019માં આ ચેપી રોગની પૃષ્ઠભૂમાં મેડિકલ થ્રિલર વાયરસ બનાવી, જેમાં આવી વિપદા વખતે હીરો બની જતા ડૉક્ટર્સથી લઈને જનરલ પબ્લિક, એમ્બ્યૂલન્સ ડ્રાઈવરથી લઈને સફાઈ કર્મચારીઓની વાત હતી.
પૅન્ડેમિક (નેટફ્લિક્સ): છ પાર્ટની આ ડૉક્યુસિરીઝ મહામારી માટે દુનિયા કેટલી સજ્જ છે (અથવા નથી) એની ચર્ચા કરે છે. હાઉ ટુ પ્રિવેન્ટ આઉટબ્રેક શરૂ થાય છે એક થિયરી સાથેઃ એક નવો, ઘાતક વાઈરસ આપણી સામે મોં ફાડીને ત્રાટકવા તૈયાર ઊભો છે. પાંચ કરોડથી વધુનો ભોગ લેનાર ઈન્ફ્લુએન્ઝા વાઈરસ ફેલાયાનાં 100 વર્ષ વીતી ગયાં છે. તે વખતે દુનિયાની વસતી હતીઃ આશરે બે અબજ. આજે આપણે આઠ અબજ છીએ. અને ડૉ. ડેનિસ કૅરોલનો ક્લોઝ અપ પરદા પર આવે છે. ચેતવણીના સૂરમાં એ કહે છેઃ આજે એવા સમયમાં આપણે જીવી રહ્યા છીએ જ્યાં (મહામારીના સંદર્ભમાં) જો શબ્દ ગૌણ છે.