અમદાવાદ: યુવાનોને મતદાન કરવા પ્રેરિત કરવા હોય તો યુ ટ્યુબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવાં અનેક માધ્યમો બેસ્ટ છે. એમાંય ઘણાં યુવાનોની કલા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ દ્વારા નિખરી છે. હાલ સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીનો માહોલ છે. આ સમયે મહેસાણાના યુવાન કોલેજિયન મયુર પરમારે તૈયાર કરેલા મતદાન જાગૃતિના ગીતે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. જેના શબ્દો છે,“ચાલો ચાલો ચાલો મતદાન કરવા.. ચાલો તો રાહ કોની જુવો છો તો ચાલો મારી સાથે..ચાલો રે ચાલોરે ચાલો આપણે મતદાન કરીએ..
મમ્મી પપ્પા ચાલો તમે દાદા દાદી ચાલો… કાકા કાકી ચાલો તમે મિત્રો મારા ચાલો..
બહેનો મારી ચાલો તમે સખી મારી ચાલો..
લોકશાહીના અવસરને ઉજવીએ નવયુગનું નિર્માણ કરીએ..
ચાલો આપણે સંકલ્પ લઈએ ચાલો આપણે મતદાન કરીએ……ચાલો રે ચાલો રે ચાલો રે ચાલો આપણે મતદાન કરીએ…..”મયુર પરમાર ચિત્રલેખા.કોમને કહે છે, “મહેસાણાના જોવાલાયક અને જાહેર સ્થાનો પર મતદાન જાગૃતિના આ ગીતને કેટલાક યુવાનો બાળકો, નાગરિકો તેમજ સિનિયર સિટીઝન સાથે ગાઈ અને કમ્પોઝ કર્યું છે. અમારી ટીમે મહેસાણાના સોશિયલ મીડિયાના પ્રસિદ્ધ ઇન્ફલુઅન્સર કૌશિકભાઈ પટેલ સાથે રહી ગીતને તૈયાર કર્યુ છે. હું એમ.કોમનો વિદ્યાર્થી છું. સિંગર પણ છું ઘણા ગીતો મારા પોતાના સ્ટુડિયોમાં તૈયાર કર્યા છે. ચૂંટણીમાં મતદાનની જાગૃતિના ગીતને તૈયાર કરવા માટે કોલેજના પ્રોફેસરોએ મને સપોર્ટ કર્યો છે. તેમણે કહ્યું કે તારામાં ટેલેન્ટ છે તો ચૂંટણી પંચની આ સ્પર્ધામાં ભાગ લેવા જ જોઈએ.” મતદાન જાગૃતિના આ ગીતે ધૂમ મચાવી મયુરને પહેલો નંબર અપાવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા રાજ્યના 10 સોશિયલ મીડિયા ઇન્ફ્લુન્સરમાંથી મહેસાણા જિલ્લા માટે મતદાન જાગૃતિ અભિયાન માટે પસંદ કરાયેલું ગીત મયુર પરમારનું છે. સમગ્ર જિલ્લા અને મહેસાણા શહેરમાં મતદાન જાગૃતિના અભિયાન માટે પસંદ કરાયેલ નેશનલ વોટર્સ ડે ૨૫મી જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે મતદાન જાગૃતિ પ્રવૃત્તિ માટે સિંગર મયુરને જિલ્લા વહીવટી અને ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી, કલેક્ટર એમ.નાગરાજનની ઉપસ્થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશના વરદ હસ્તે મતદાન જાગૃતિ માટે પ્રશસ્તિ પત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતાં. વધુમાં ગાયક મયુર પરમાર કહે છે, “ આપણે છીએ લોકશાહીના હકદાર ..આપણે છીએ એક દેશનો અવાજ…. થોડો સમય આપી તમે કરો મતદાન ત્યારે થશે આપણો દેશ બલવાન… લોભ કે લાલચમાં ન અટવાઓ…. નિષ્પક્ષ મતદાન કરવા હરખાવો…. સંજોગો કપરા ભલે હોય કરશું મતદાન અચૂક તોય…… ચાલો આપણે સંકલ્પ લઈએ ચાલો આપણે મતદાન કરીએ.” મારા આ શબ્દો થકી યુવાઓ, પ્રથમવાર મતદાન કરનારા મતદાતાઓ તેમજ નાગરિકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ આવે અને અચૂક મતદાન કરે એવા આશયથી અમે આ ગીત બનાવી રહ્યા છીએ તેમજ મહેસાણાના વિવિધ સ્થળો પર તેનું શૂટિંગ કરીને સ્થાનિક પબ્લિકને અમારી સાથે સહભાગી પણ બનાવી રહ્યા છીએ. છેલ્લી બે ચૂંટણીથી અમે જિલ્લામાં જાહેર સ્થળોમાં અને સોશિયલ મીડિયાના youtube , insta અને facebook આ ત્રણ માધ્યમ દ્વારા અમે મતદાન જનજાગૃતિના કાર્યક્રમો કરી રહ્યા છીએ. અમને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે.”સોશિયલ મીડિયાના ચૂંટણી માટે પસંદ કરાયેલા મીડિયા ઇન્ફ્લુઅન્સર કૌશિકભાઇ પટેલ કહે છે, “આજનું યુથ જ નહીં પણ મોટાભાગના લોકો સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ છે અને મતદાન જનજાગૃતિ માટે આ પણ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. જેના દ્વારા વધારેમાં-વધારે મતદાન કરાવી શકાય અને લોકોમાં જનજાગૃતિ આવે એ માટે અમારી પસંદગી થઈ છે. ત્યારે અમે સૌને કહીએ છીએ કે, ચોક્કસ મતદાન કરીએ. ભેદભાવથી પર રહીને મતદાન કરીએ.” નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કહે છે યંગ જનરેશન અને સોશિયલ મીડિયા સાથે કનેક્ટેડ લોકોને વધારે મતદાન કરવા પ્રેરિત કરવા માટે આ એક સરસ માધ્યમ છે. જેના દ્વારા અમે જિલ્લાના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરવા પ્રેરાય એવા પ્રયત્નો કરી રહ્યા છે.ભારત ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૪ અંતર્ગત દેશના નાગરિકો વધારેમાં વધારે મતદાન કરે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા જન સંપર્ક અને જાગૃતિના પ્રયત્નો થઈ રહ્યા છે. જે પૈકી સોશિયલ મીડિયાના ઉપયોગથી પણ જનજાગૃતિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.