ન્યૂયોર્કઃ મુંબઈની પડોશના કલ્યાણ શહેરમાં જન્મેલી સંજલ ગાવંડે 30 વર્ષની એન્જિનીયર છે. દુનિયાના નંબર-1 શ્રીમંત જેફ બેઝોસના સ્પેસ રોકેટ ‘ન્યૂ શેફર્ડ’ના નિર્માણમાં મદદરૂપ થનાર એન્જિનીયરોમાંની એક સંજલ પણ છે. આ સંજલ 20 જુલાઈના મંગળવારે (ભારતીય સમય મુજબ સાંજે 6.30 વાગ્યે) પહેલી જ વાર અવકાશ સફરે જનાર બેઝોસની ટીમની સિદ્ધિની સહભાગી બની છે. સંજલ કલ્યાણમાં જન્મી અને ઉછરી છે. તે કલ્યાણ મહાનગરપાલિકાનાં કર્મચારી પિતા અશોક ગાવંડે અને એમટીએનએલનાં નિવૃત્ત અધિકારી માતા સુરેખા ગાવંડેની પુત્રી છે.
એમેઝોનના સ્થાપક બેઝોસે સ્થાપેલી સ્પેસ કંપની બ્લૂ ઓરિજીનનું માનવસહિત ખાનગી અવકાશયાન ન્યૂ શેફર્ડ 20 જુલાઈના મંગળવારે અવકાશની સફરે જવાનું છે. બેઝોસ પણ એમાંના એક પ્રવાસી હશે. સંજલ એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મી છે અને મિકેનિકલ એન્જિનીયર બની છે. એ મુંબઈ યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થઈ હતી અને બાદમાં મિકેનિકલ એન્જિનીયરિંગમાં માસ્ટર્સ ડિગ્રી હાંસલ કરવા માટે 2011માં અમેરિકા શિફ્ટ થઈ હતી. તે ભણતર વખતે જ એણે એરોસ્પેસનો વિષય પસંદ કર્યો હતો અને એમાં તે ફર્સ્ટ-ક્લાસ પાસ થઈ હતી. એ સૌથી પહેલાં મર્ક્યૂરી મરીન કંપનીમાં જોડાઈ હતી જ્યાં એણે એક રેસિંગ કારની ડિઝાઈન તૈયાર કરી હતી. ત્યારબાદ એ ટોયોટા રેસિંગ ડેવલપમેન્ટમાં જોડાઈ હતી. એણે અમેરિકાની અવકાશ સંશોધન કંપની NASAમાં કામ કરવા અરજી કરી હતી. પરંતુ નાગરિકત્ત્વના મુદ્દે એની પસંદગી થઈ નહોતી. બાદમાં એણે સીએટલ શહેરમાં જેફ બેઝોસની બ્લૂ ઓરિજિનમાં કામ કરવા માટે અરજી કરી હતી. આ વર્ષના એપ્રિલમાં એને સિસ્ટમ્સ એન્જિનીયર તરીકે બ્લૂ ઓરિજિને પસંદ કરી હતી. બાદમાં ન્યૂ શેફર્ડ રોકેટના નિર્માણકામમાં પણ એની પસંદગી કરવામાં આવી હતી. ન્યૂ શેફર્ડ અવકાશયાન અમેરિકાના પશ્ચિમી ટેક્સાસમાં આવેલા રણમાં એક દૂરસ્થ સુવિધા દ્વારા વિસ્ફોટ સાથે અવકાશની સફરે રવાના થશે. આ સ્થળને ‘લોન્ચ સાઈટ વન’ કહેવામાં આવ્યું છે. સંજલ પાસે અમેરિકામાં કમર્શિયલ પાઈલટનું લાઈસન્સ પણ છે.