કાબુલમાં ભીષણ બોમ્બધડાકોઃ મંત્રી હક્કાની સહિત 12નાં મોત

કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો ધડાકો થયો છે. કાબુલમાં શરણાર્થી મંત્રાલયના કમ્પાઉન્ડમાં થયેલા ધડાકામાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના ત્રણ અંગરક્ષકો સહિત 12 લોકો માર્યા ગયા હતા. આ હુમલો ત્યારે થયો જ્યારે હક્કાની ખોસ્તથી આવતા લોકોના સમૂહની યજમાની કરી રહ્યા હતા. આ આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. આ ધડાકામાં અનેક લોકોનાં મોત થયાં છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

તાલિબાન સરકારે ‘ધ ખોરાસાન ડાયરી’ સાથેની વાતચીતમાં આ ઘટનાની પુષ્ટિ કરી છે. હાલમાં આ વિસ્ફોટ કેવી રીતે થયો અને કોણે કરાવ્યો તે અંગે વધુ માહિતી બહાર આવી નથી. અત્યાર સુધી મળેલી માહિતીને આધારે તેને આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે. અહેવાલ અનુસાર આ વિસ્ફોટમાં આત્મઘાતી હુમલાખોરનું પણ મોત થયું છે અને ઘણા લોકો ઘાયલ થયા છે.

ઓગસ્ટ, 2021 માં જૂથ સત્તા પર પાછા ફર્યા પછી તાલિબાનના આંતરિક પ્રધાન સિરાજુદ્દીન હક્કાનીના કાકા ખલીલ રહેમાન હક્કાનીને શરણાર્થીઓના કાર્યકારી પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

તાલિબાની સરકારે આ હુમલાની નિંદા કરતાં કહ્યું હતું કે આ હુમલાનો હેતુ તેમના નેતૃત્વને અસ્થિર કરવાનો છે. તાલિબાને આ હુમલા પાઠળ કી ખાસ જૂથ કે સંગઠનનું નામ નથી લીધું. આ ઘટના પછી તાલિબાને સુરક્ષા વધારી દીધી છે અને આવા હુમલાને અટકાવવા અનેક પગલાં લીધાં છે.