નવી દિલ્હીઃ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના શહેર લોસ એન્જેલસનાં જંગલમાં ફેલાયેલી આગ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. આગનો વ્યાપ સતત વધતો જઈ રહ્યો છે, એમાં કમસે કમ છ જંગલ ભભૂકી રહ્યાં છે. આગે વધુ બે જંગલને પોતાની ચપેટમાં લઇ લીધાં છે. આગમાં અત્યાર સુધી પાંચ લોકોના મોત થયાના સમાચાર છે. આ સાથે જ ઘણા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત પણ થયા છે. આગ ફેલાવાને કારણે અલગ-અલગ જગ્યાએ 1000થી વધારે મકાનો નાશ પામ્યાં છે. આગ બુઝાવવાની તમામ વ્યવસ્થા અપૂરતી સાબિત થઈ રહી છે.
આ આગને કારણે 50 અબજ ડોલરનું નુકસાન થયું છે. મૃતકોની સંખ્યા વધીને સાત પહોંચી છે. આ આગ કેલિફોર્નિયાના ઇતિહાસની સૌથી ભયાનક આગ છે. જંગલોમાં ફેલાયેલી આ આગ સવારે પહેલાં પેસિફિક પેલિસેડ્સથી શરૂ થઈ હતી. આ વિસ્તાર ઉત્તર-પશ્ચિમી લોસ એન્જલસમાં પડે છે. 10 એકરમાં લાગેલી આગ થોડા કલાકોની અંદર 2900 એકરના દાયરામાં ફેલાઈ ગઈ હતી. શહેરની ઉપર ધુમાડાના ગોટેગોટા જામવા લાગ્યા છે.
ફાયર બ્રિગ્રેડની ટીમને પાણીની પણ અછત છે. આ કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આગ બુઝાવવા 7500થી વધુ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કેલિફોર્નિયાએ 1400થી વધુ ફાયર બ્રિગ્રેડના કર્મચારીઓ તહેનાત કર્યા છે. આગનો ખતરો લોસ એન્જલસ શહેર સુધી પહોંચી ગયો છે. લોકોને લોસ એન્જલસ શહેરમાં સ્થળાંતર કરીને સલામત સ્થળે જવા માટે કહેવામાં આવ્યું છે. હોલિવૂડની ઘણી હસ્તીઓએ ઘર ખાલી કરીને અહીંથી બહાર નીકળી ગયા છે.
લોસ એન્જલસ કાઉન્ટીમાં 2,50,000 થી વધુ ઘરોમાં વીજળી કાપવામાં આવી છે. લોકોને સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. લોકોને સલામત સ્થળે ખસેડવા માટે બચાવ ટીમો દિવસ-રાત કામ કરી રહી છે. સ્થાનિક શાળાઓ, સામુદાયિક કેન્દ્રો અને અન્ય સલામત સ્થળોને ઇમરજન્સી શેલ્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ જો બિડેને ખરાબ હવામાનને કારણે રિવરસાઇડ કાઉન્ટી, કેલિફોર્નિયાનો પ્રવાસ રદ કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે કેલિફોર્નિયાની આ આગ દેશના ઇતિહાસમાં સૌથી મોંઘી આગ સાબિત થઈ શકે છે. વીમા કંપનીઓ પાસે આ ઇમરજન્સીની ચુકવણી કરવા માટે પૈસા છે કે નહીં તેમણે એ વાતની પણ આશંકા વ્યક્ત કરી છે.