ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ ઑથૉરિટી ઑફ ઇન્ડિયા એટલે કે FSSAIએ ફૂડ બિઝનેસ ઑપરેટર્સ અને ઈ-કૉમર્સ કંપનીને દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ પર A1 અને A2 દૂધને માર્કેટિંગ સાથે વેચવાની મનાઈ કરી છે. FSSAIની તપાસમાં જાણકારી મળી છે કે A1 અને A2 દૂધમાં મૂળ તફાવત તેમાં રહેલા પ્રોટીનની સંરચનામાં છે. આ કારણે કોઈપણ દૂધ કે દૂધમાંથી બનેલી વસ્તુઓ પર A1 અને A2 મિલ્ક ફેટ પ્રોડક્ટનો દાવો કરવો એ લોકોને ગેરમાર્ગે દોરવા જેવું છે અને સાથે જ તે FSS, 2006ના કાયદામાં કરેલી જોગવાઈને અનુરૂપ નથી.
FSSAIએ નિર્દેશ પણ આપ્યા છે કે ફૂડ બિઝનેસ ઑપરેટર્સ અને ઈ-કૉમર્સ કંપનીઓએ પોતાના પ્રોડક્ટ્સ પરથી A1 અને A2 દૂધને લગતી બ્રાન્ડિંગ પોતાની વેબસાઇટ પરથી તાત્કાલીક ધોરણે હટાવવાની રહેશે. જો કે, કંપનીઓ આ આદેશ પહેલાં બનાવેલા બ્રાન્ડિંગ પ્રોડક્ટ્સને છ મહિના સુધી વેચી શકશે.
ચિત્રલેખા: A1-A2 દૂધમાં તફાવત શું હોય છે? ખાસ કરીને ન્યૂટ્રીશનની દ્રષ્ટિથી જોઈએ તો?
ડૉ. સુષ્મિતા ચંદા: A1-A2 દૂધમાં મુખ્ય તફાવત માત્ર તેમાંથી મળતા પ્રોટીનનો જ હોય છે. બીજો કોઈ મેજર તફાવત તેમાં હોતો નથી. પ્રોટીન એ એમિનો-એસિડથી બનેલું તત્વ હોય છે. આથી A1માં જુદા પ્રકારના એમિનો એસિડ મળે છે, જ્યારે A2માં જુદા પ્રકારના એમિનો એસિડ મળતા હોય છે. ભારતમાં જે પ્રકારના અભ્યાસો થયા છે તેમાંથી મળેલી જાણકારી પ્રમાણે A1 દૂધ અને તેમાંથી બનતી દૂધ પ્રોડક્ટસથી ભારતમાં પાચન સંબંધિત પ્રશ્નો ઉભા થતા હોય છે. જ્યારે A2 કેટેગરીનું દૂધ તથા દૂધ પ્રોડક્ટસમાં પાચન સંબંધિત પ્રશ્નો જોવા મળતા નથી. તે સરળતાથી પચી જાય છે. બીજો તફાવત A1-A2 દૂધમાં તેમના સોર્સનો છે.
તો પછી A1-A2 દૂધના સોર્સ શું હોય છે?
A1 દૂધ મુખ્યત્વે ભારતની ગાયોમાંથી મળતું નથી. બીજી રીતે કહીએ તો ભારતીય મૂળની ના હોય તેવી ગાયો જેમ કે જર્સી ગાયમાંથી જે દૂધ મળે છે તે A1 પ્રકારનું દૂધ હોય છે. જ્યારે A2 દૂધના સોર્સ ભારત ઓરિજિનની ગાયો હોય છે. જેમ કે આપણી ગીરની ગાય હોય, શાહીવાલા ગાય છે. આ બધામાંથી A2 પ્રકારનું દૂધ મળતું હોય છે.
મારા મત પ્રમાણે એક ડાયટિશિયન તરીકે A2 દૂધ જ ભારતના લોકો માટે વધારે સ્વાસ્થ્યવર્ધક ગણાય છે. કારણ કે તે ભારતીય મૂળની ગાયોમાંથી મળી આવતું હોય છે. સાથે જ તે ભારતીય લોકો માટે પચવામાં પણ સરળ હોય છે. હું પોતે પણ A2 દૂધ અથવા તો દૂધની પ્રોડ્ક્ટસ જ કોઈને સજેસ્ટ કરું છું. તે ન્યૂટ્રિશિયન દ્રષ્ટિથી પણ ખુબ જ લાભદાયક હોય છે. સાથે જ જો તેની કિંમતની વાત કરવામાં આવે તો દરેકના ખિસ્સાને પરવડે તેવાં ભાવ હોય છે.
તો પછી A1-A2નો માર્કેટિંગ ફંડા ભારતીય માર્કેટમાં ક્યાંથી આવ્યો?
માર્કેટિંગની જો વાત કરીએ તો આપણે કેમ પિઝા ખાઈએ છીએ? આપણે કેમ બર્ગર ખાઈએ છીએ? આ ફૂડ પણ ભારતીય મૂળના નથી જ. પરંતુ આપણે વેસ્ટર્ન કલ્ચરને અપનાવવાના ચક્કરમાં આ પ્રકારના અનહેલ્ધી ફૂડ ખાતા થઈ ગયા છીએ. A1 પ્રકારનું દૂધ તો અનહેલ્ધી નથી જ. ઘણા ફૂડ આપણા ભારતીય મૂળના ખુબ જ સાર અને હેલ્ધી હોય છે, તેમ છતાં કહેવત છે ને કે, ‘ઘર કી મુરઘી દાળ બરાબર’ એવું તેમની સાથે થાય છે. કેટલાંક લોકો એવું વિચારતા હોય છે કે A1 પ્રકારનું દૂધ બહારનું છે તો વધારે સારું અને વધારે હેલ્ધી હશે. આથી તેઓ વધારે પૈસા ખર્ચીને A1 પ્રકારનું દૂધ ખરીદતા હોય છે. હું પોતે એવું માનું છે કે ભારતીય ફૂડ અને લાઈફ સ્ટાઈલ બીજા દેશો કરતાં વધારે સારી છે.
A1 દૂધ પણ સારું જ હોય છે એમાં કોઈ ખરાબી નથી. અમારી મેડિકલની ટર્મમાં જેને બીટા કેસીન પ્રોટીન કહેવામાં આવે છે તે A1 પ્રકારના દૂધમાં વધારે હોય છે. પરંતુ ઘણી વાર કેટલાંક લોકોને કેસીન પ્રોટીન એટલે કે મિલ્ક બેઈઝડ પ્રોટીન લે તો તેમને ઘણાં બધાં ગેસ્ટ્રિક પ્રોબ્લમસ કે કબજિયાતની સમસ્યા થતી હોય છે. આથી કહી શકાય કે આ પ્રકારના બીટા કેસીન પ્રોટીનના કારણે પાચન સંબંધિત સમસ્યાઓ થતી હોય છે. ખાસ કરીને આપણા ભારતીય લોકોમાં આ સમસ્યા જોવા મળતી હોય છે.
મારું એવું માનવું છે કે સરકાર એવું ઈચ્છે છે કે તમે ગ્રેડ જોઈને નહીં પણ વસ્તુની ન્યુટ્રિશનલ વેલ્યુ, પેલેટબિલિટી (Palatability), તેમજ એક્સેસબિલિટી જોઈને તેની ખરીદી કરો. બીજી વાત કે કોઈપણ વસ્તુને સર્ટિફિકેશન મળે અને આપણે તે સર્ટિફિકેટ જોઈને ખરીદી કરીએ તે સારી વાત છે. પણ ઘણી વખત આપણે એમાં પણ થાપ ખાઈ જઈએ છીએ. જેમ કે ક્યારેક કોઈ વસ્તુ પર લખ્યું હોય ઝીરો કોલેસ્ટ્રોલ, પરંતુ તે ખાદ્યપદાર્થમાં ઘણા બધાં છુપાયેલા ફેટ્સ હોય છે. આથી કોઈપણ સર્ટિફિકેટ કે બ્રાન્ડને જોયા વગર વસ્તુના ન્યુટ્રિશનલ વેલ્યુને ચેક કરીને ખરીદી કરવી જોઈએ. આથી જ સરકારે નિયમ બનાવ્યો છે કે દરેક વસ્તુ પર તેમાં વપરાયેલા ઇન્ગ્રેડિયન્ટ્સ, ન્યુટ્રિશનલ વેલ્યુ, તેનું વજન અથવા તો જથ્થો લખવો ફરજિયાત છે. આ બધી વસ્તુઓ માટે વધારે જાગૃતતા રાખીએ તે જરૂરી છે. હું પોતે એવું માનું છું કે જે વસ્તુઓની માર્કેટિંગ કરવી પડે એના કરતા આપણી આસપાસ મળતી નેચરલ વસ્તુઓ ખરીદવા વધારે હિતાવહ હોય છે.
દૂધ કે દૂધની બનાવટવાળા ખાદ્યપદાર્થો ખરીદતા સમયે શું કાળજી રાખવી જોઈએ?
સૌથી પહેલાં તો વસ્તુના ઉત્પાદનની તારીખ અને તેની એક્સપાયરી ડેટ ખાસ તપાસવી જોઈએ. બીજી વસ્તુ કે, દૂધની ન્યુટ્રિશનલ વેલ્યુમાં વધારે ફેટ નહીં પરંતુ વધારે પ્રોટીન હોય તે તપાસવાનું. કોઈપણ મિલ્ક પ્રોડક્ટસમાં એ વાતનું ધ્યાન રાખવાનું કે તેમાં વધારે પ્રિઝર્વેટિવ તો નથી ને. જેમ કે નોર્મલ લસ્સી લો કે ફ્લેવર્ડ લસ્સી તો તમે તફાવત જોઈ શકશો કે તેમાં ફૂડ કલર અને પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યો જ હોય છે. બને ત્યાં સુધી તો મિલ્ક પ્રોડક્ટસમાં દૂધ લઈને ઘરે જ તેનું ઉત્પાદન કરવું વધુ યોગ્ય હોય છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)