ખંભાત: શ્રાવણનો સોમવાર શ્યામ અને શંકરની ભક્તિનો અનોખો અવસર
ખંભાત: ગુજરાતને 1600 કિલોમીટરનો દરિયા કાંઠો છે. એમાં અનેક જાણીતા મંદિરો, મહાદેવના શિવલિંગ, તીર્થભૂમિ, બંદરો અને વિશિષ્ટ ટાપુઓ આવેલા છે. અરબ સાગરના અખાત પાસે વસેલું શહેર ખંભાત સદીઓથી પોતાની આગવી ઓળખ ધરાવે છે.ખંભાત શહેર સુતરફેણી, હલવાસણ, અકીકના પથ્થર, પતંગ ઉદ્યોગથી જાણીતું છે. આ સાથે ભરપૂર કુદરતી સંશાધનો માટે પણ જાણીતું છે. એક માન્યતા પ્રમાણે સ્કંધ પુરાણમાં જેનો ઉલ્લેખ છે, એ ભગવાન કાર્તિક સ્વામી દ્વારા સ્થપાયેલ કુમારેશ્વર મંદિર પણ ખંભાતમાં આવેલું છે. આ વર્ષે શ્રાવણ માસમાં શિવજીનો સોમવાર અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીનો શુભ સમન્વય હોવાથી ખંભાતના આ મંદિરને ભક્તોએ અનોખી રીતે સજાવ્યું છે. આજે શિવ મંદિરોમાં સજાવટ સાથે વિશિષ્ટ પૂજાના કાર્યક્રમોના આયોજનો થઈ રહ્યા છે.ખંભાતના પૌરાણિક કુમારેશ્વર મહાદેવ મંદિરમાં હીરેન ભટ્ટ છેલ્લા અઢાર વર્ષથી સવા લાખ બીલી પત્ર ચઢાવે છે. હીરેન ભટ્ટ ચિત્રલેખા. કોમને કહે છે પહેલાં સાંજે પણ મંદિરમાં રંગોળી કરતાં હતા. શ્રાવણ માસમાં સવારે શિવલિંગને નિયમિત વિવિધ શૃંગાર કરીએ છીએ. શિવલિંગના શણગારમાં ફૂલોથી ઓમ બનાવીએ. બીલી પત્રના ત્રણેય પાન પર ઓમ નમઃ શિવાય સાથે ડમરુ સાથેના ત્રિશુળ દોરી ભગવાનને એ બિલી અર્પણ કરીએ. આ રીતે સતત અઢાર વર્ષથી ભોળાનાથના પૌરાણિક શિવલિંગ પર પૂજા અર્ચના કરું છું. આ વર્ષે સોમવાર અને જન્માષ્ટમીનો સુંદર સમન્વય છે. શિવજીના શિવલિંગ પર કૃષ્ણની આકૃતિ રચી સજાવટ કરવામાં આવી છે.આખુંય વર્ષ અને ખાસ શ્રાવણ માસમાં સમગ્ર વિશ્વમાં ભગવાન શિવજીને બિલ્વપત્ર સાથે અનોખી રીતે પૂજનારા હજારો ભક્તો છે. આ સાથે શિવલિંગ પર પ્રસંગો અને ઉત્સવને અનુરૂપ શૃંગાર પણ કરાય છે.