રુદ્રપ્રયાગઃ પ્રસિદ્ધ ચારધામમાંના એક, કેદારનાથ મંદિરના કપાટ આજે સવારે 6 વાગ્યે અને 10 મીનિટે ખૂલ્લા મૂકવામાં આવ્યા હતા. આ પ્રસંગે પૂજારીઓ દ્વારા પરંપરાગત મંત્રોચ્ચાર દ્વારા બાબા કેદારનાથની પૂજા-અર્ચના કરવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે પ્રથમ પૂજા કરવામાં આવી હતી અને એ સાથે જ હિંદુઓના આ મહત્ત્વના તીર્થસ્થાન કેદારનાથ ધામના દ્વાર ખોલી દેવામાં આવ્યા હતા.
આ પહેલા ભગવાન શિવના આ વિશ્વ પ્રસિદ્ધ મંદિરને પુષ્પોથી સજાવવામાં આવ્યું હતું જેની સુંદરતા ખૂબ દિવ્ય દેખાતી હતી. આ વર્ષે કેદારનાથ ધામના કપાટ ખુલવામાં ખાસ વાત એ છે કે, શ્રદ્ધાળુ ભગવાન શિવના દર્શન નહી કરી શકે. કોરોના વાયરસના કારણે દેશમાં અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે જેના કારણે મંદિરના કપાટ નિર્ધારિત સમય પર તો ખોલી દેવામાં આવ્યા છે પરંતુ અત્યારે શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી નહી મળે. મંદિરના મુખ્ય પૂજારી સહિત માત્ર 16 લોકો જ અહીંયા ઉપસ્થિત રહી શકે છે.
બુધવારના રોજ કેદારનાથ ધામના કપાટ ખુલવાથી પૂર્વ સોમવારના રોજ બાબા કેદારનાથની ડોલી લઈને બરફ અને કડકડતી ઠંડી વચ્ચે ભક્તો કેદારનાથ ધામ તરફ આગળ વધતા ગયા. આઠમી શતાબ્દીમાં આદિ શંકરાચાર્ય દ્વારા બનાવવામાં આવેલા કેદારનાથ ધામના કપાટ સામાન્ય શ્રદ્ધાળુઓ માટે વર્ષમાં 6 મહિના જ ખોલવામાં આવે છે. માન્યતા છે કે ડોલી લઈને જનારા ભક્તો ખુલ્લા પગે જ ડોલી લઈને જાય છે.