કપિલ દેવ કાંબલીની મદદ કરવા તૈયાર, પણ એક શરતે!

મુંબઈ: પૂર્વ ભારતીય ક્રિકેટર વિનોદ કાંબલી આજકાલ તેમના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. તેઓ થોડાં દિવસ પહેલાં તેમના સ્વર્ગસ્થ કોચ રમાકાંત આચરેકરના સ્મારક સમારોહમાં જોવા મળ્યા હતા. જ્યાં તેમની માટે ખુરશી પરથી ઉઠવું પણ મુશ્કેલ થઈ રહ્યું હતું. તેમના આ દશા જોઈને તેમના ફેન્સ સહિત સમગ્ર દેશવાસીઓ ચિંતામાં છે. ત્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન કપિલ દેવનું  આ અંગે કહેવું છે કે દરેક વ્યક્તિએ કાંબલીને સપોર્ટ કરવો જોઈએ. પરંતુ સાથે જ તેણે પણ પોતાનું વધુ ધ્યાન રાખવું જોઈએ.કપિલ દેવે કહ્યું, “આપણે બધાએ વિનોદ કાંબલીને સપોર્ટ કરવો જોઈએ, પરંતુ તેણે પણ પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે. જો તે પોતાનું ધ્યાન નહીં રાખે તો અમે પણ તેની સંભાળ રાખી શકીશું નહીં.”તાજેતરમાં જ પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ વિનોદ કાંબલીને પોતાનો પુત્ર ગણાવતા કહ્યું હતું કે, “1983 વર્લ્ડ કપની ટીમ યુવા ખેલાડીને લઈને ચિંતિત છે કારણ કે આ યુવા ખેલાડી અમારા પુત્ર જેવો છે. 1983ની ટીમે વિનોદ કાંબલીની મદદ માટે આગળ આવવું જોઈએ. અમે તેને મદદ કરીશું અને તેને વધુ સારી સ્થિતિમાં લાવીશું.”જો આપણે વિનોદ કાંબલીના સ્વાસ્થ્ય પર પ્રકાશ ફેંકીએ, તો તેઓ લાંબા સમયથી હતાશાથી ઘેરાયેલા છે. તે પોતે પણ ઘણી વખત માનસિક તણાવમાં હોવાનું કબૂલ્યું છે. આ સિવાય દારૂનું વ્યસની હોવું પણ તેની ખરાબ તબિયતનું એક મોટું કારણ છે, જ્યારે તેણે ઘણી વખત દારૂ છોડવાનો પ્રયાસ કર્યો છે.