ગાંધીનગર: દ્રઢતા, મહત્વાકાંક્ષા અને નિષ્ઠાવાન પ્રયાસ સપનાને વાસ્તવિકતામાં ફેરવી શકે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) ખાતે તાજેતરના આઉટરીચ સત્રમાં આ વિષય પર સેમિનાર યોજાયો. જેમાં IPS સફીન હસન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સફીન હસને 22 વર્ષની ઉંમરે 2018માં UPSC પરીક્ષા પાસ કરી હતી અને ભારતના તેઓ સૌથી યુવા IPS ઓફિસર બન્યા હતા. તેમની પ્રેરણાદાયી સફર તેમણે IITGN ખાતે યોજાયેલા ખાસ સેમિનારમાં શેર કરી.આ સેમિનારનો ઉદ્દેશ્ય સંસ્થાના પાયાના લોકોને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવાનો હતો. આ પાયાના લોકોમાં હાઉસકીપિંગ સ્ટાફ, કેન્ટિન કામદારો, સુરક્ષા કર્મચારીઓ, મેઈન્ટેનસ સ્ટાફ તેમજ હોર્ટિકલ્ચર સ્ટાફનો સમાવેશ થાય છે. IITGN ખાતે પ્રેરણાદાયી વ્યક્તિઓ સાથે દર મહિને એક ખાસ વાતચીત શ્રેણીની શરૂઆત કરવામાં આવી છે. જેના પ્રથમ આઉટરીચ સેમિનારમાં 350 થી વધુ IITGN સપોર્ટ સ્ટાફે હાજરી આપી હતી. IPS સફીન હસનને પ્રોફેસર ગૌરવ શ્રીવાસ્તવ, ડૉ. વિલાસ મુજુમદાર ચેર એસોસિયેટ પ્રોફેસર, સિવિલ એન્જિનિયરિંગ, IITGN દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
સફીન હસન પાલનપુર જિલ્લાના કાણોદર ગામના વતની છે, તેમણે UPSCમાં ઓલ ઈન્ડિયા રેન્ક 570 હાંસલ કર્યો હતો. આ સેમિનારમાં તેમણે પોતાની નાણાકીય પરિસ્થિતિ અને વ્યક્તિગત પડકારોને પાર કરીને UPSC પરીક્ષામાં મેળવેલી સફળતા વાત કરી હતી. ખાસ કરીને IITGN ના મહેનતુ સહાયક સ્ટાફ માટે આયોજિત આ સત્ર, દ્રઢતાની શક્તિ અને સમર્પણ અને સખત પરિશ્રમ દ્વારા વ્યક્તિના સંજોગોને પાર કરવાની સંભાવના દર્શાવીને તેમને પ્રેરણા અને પ્રોત્સાહિત કરવા માટે ખાસ રાખવામાં આવ્યું હતું.