અમદાવાદ: સંશોધન સહિત ગ્લોબલ પ્લેટફોર્મ્સ પર ભારતના હિતોના તરફેણની વ્યવસ્થારૂપે ગૌતમ અદાણી વર્લ્ડ ક્લાસ થિંક-ટેન્ક સ્થાપવાના છે. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર ધરાવતી આ નવીન સંસ્થાનો ઉદ્દેશ્ય માત્ર ભારત જ નહીં, પરંતુ “ગ્લોબલ સાઉથ” માટે સંશોધન કરવાનો છે. થિંક ટેન્કને અદાણી ગ્રુપથી સ્વતંત્ર રાખવામાં આવશે, તેનું પોતાનું ગવર્નન્સ સ્ટ્રક્ચર અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સ રહેશે. જો કે હજી સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
કંપનીના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે થિંક-ટેન્કનું નામ ચિંતન રિસર્ચ ફાઉન્ડેશન નક્કી કરવામાં આવ્યું છે. અદાણી જૂથ પાસેથી નવનિર્મિત સંસ્થાને રૂ.100 કરોડનું ભંડોળ મળશે. જો કે ભવિષ્યમાં તે રકમમાં વધારો થઈ શકે છે. પ્રારંભિક ભંડોળ મેળવ્યા બાદ તેની પાસે આવકનો આગવો પ્રવાહ ઉભો થશે. જેનાથી તે આત્મનિર્ભરતા માટે સક્ષમ બનશે. ચિંતન રિસર્ચ ફાઉન્ડેશનનો ઉદ્દેશ માત્ર સંશોધન જ નહીં, આબોહવા પરિવર્તન અને ઉર્જા સંક્રમણના ત્રણ સ્તંભો, ભૌગોલિક રાજનીતિ અને વ્યૂહાત્મક બાબતો, અને અર્થતંત્ર અને વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે. વળી તે COP29, યુનાઈટેડ નેશન્સ અને વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જેવા વૈશ્વિક પ્લેટફોર્મ પર ભારતના હિતોની તરફેણ પણ કરશે.