ઓસ્ટ્રેલિયાના 445 રનના જવાબમાં ભારત 51/4 વિકેટ

ગાબાઃ ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ગાબામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસે પણ વરસાદનું વિઘ્ન રહ્યું હતું. વરસાદને કારણે આઠ વખત મેચને રોકવી પડી હતી. ત્યાર બાદ એમ્પાયર્સે રમત પૂરી થવાની ઘોષણા કરી હતી, ત્યારે ભારતનો સ્કોર ચાર વિકેટે 51 રનનો હતો. કેએલ રાહુલ 33 અને રોહિત શર્મા ક્રીઝ પર નોટઆઉટ ઊભા હતા.

આ પહેલાં ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલી ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારત હજુ પણ પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાથી 394 રનથી પાછળ છે. બીજા દિવસે ઓસ્ટ્રેલિયાના બેટર સ્ટીવ સ્મિથ (101 રન) અને ટ્રેવિસ હેડ (152 રન)એ કરેલી સદીઓ પછી એલેક્સ કેરીએ 88 બોલમાં 70 રનની ઇનિંગ રમી ટીમ માટે શાનદાર સ્કોર બનાવવાનો પાયો નાખ્યો હતો. પહેલી ઇનિંગમાં ભારત તરફથી જસપ્રિત બુમરાહે 76 રનમાં 6 વિકેટ લીધી હતી. કેએલ રાહુલે કરેલા 33 રન સિવાય ભારતનો કોઈ પણ ટોપ ઓર્ડરનો બેટર ક્રીઝ પર ઊભો નહોતો રહી શક્યો. રિષભ પંત 9 રન, યશસ્વી જયસ્વાલ 4, વિરાટ કોહલી 3 અને શુભમન ગિલ એક રન બનાવીને આઉટ થયા હતા.

ભારતના ટોપ બેટ્સમેનો ફ્લોપ

ઓસ્ટ્રેલિયાએ 445 રન બનાવ્યા બાદ ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કે 2 અને જોશ હેઝલવુડે 1 વિકેટ લીધી હતી. એક સમયે ભારતીય ટીમનો સ્કોર 22 રનમાં ૩ વિકેટે હતો. બીજા સેશનમાં પેટ કમિન્સે રિષભ પંતની વિકેટ ઝડપી હતી. જેને કારણે ભારતીય ટીમની સ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. ભારતનો ટોપ ઓર્ડર સંપૂર્ણ ફ્લોપ રહ્યો હતો.