લંડનઃ ભારતે અહીંના ઐતિહાસિક લોર્ડ્સ મેદાન પર આજે ઈંગ્લેન્ડને બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં 151 રનથી હરાવીને સનસનાટી મચાવી દીધી છે. આ જીત સાથે ભારતે 5-મેચની સિરીઝમાં 1-0થી સરસાઈ લીધી છે. ત્રીજી ટેસ્ટ 25 ઓગસ્ટથી લીડ્સમાં રમાશે.
ઈંગ્લેન્ડને જીત માટે 272 રન કરવાની જરૂર હતી, પણ ટીમ આજે પાંચમા અને આખરી દિવસે આખરી સત્રમાં 120 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ચાર ફાસ્ટ બોલરોએ ઈંગ્લેન્ડનો ખેલ સમાપ્ત કરી દીધો. મોહમ્મદ સિરાજે 10.5 ઓવરમાં 32 રનમાં 4 વિકેટ લીધી, તો જસપ્રિત બુમરાહે 15 ઓવરમાં 33 રનમાં 3, ઈશાંત શર્માએ 10 ઓવરમાં 13 રનમાં બે અને મોહમ્મદ શમીએ 10 ઓવરમાં 13 રનમાં 1 વિકેટ લીધી.
આખરી સ્કોરઃ ભારત 364 અને 298-8 ડિકલેર. ઈંગ્લેન્ડ 391 અને 120.
ભારતની જીતનો પાયો આજે મેચના આખરી દિવસે જ નખાયો હતો અને એ પાયો નાખનાર છે મોહમ્મદ શમી અને જસપ્રિત બુમરાહ. આ બંનેએ ભારતના બીજા દાવમાં 9મી વિકેટ માટે 89 રનની અતૂટ ભાગીદારી કરીને મેચનું પાસું પલટી નાખ્યું હતું. 9મા ક્રમે આવેલા શમીએ તેની કારકિર્દીના બેસ્ટ સ્કોર રૂપે અણનમ 56 રન કર્યા હતા તો 10મા ક્રમનો બુમરાહે 34 રન કરીને નોટઆઉટ રહ્યો હતો. બુમરાહનો પણ આ વ્યક્તિગત બેસ્ટ ટેસ્ટ સ્કોર છે. 194 રનના સ્કોર પર રિષભ પંત (22) સાતમી વિકેટના રૂપે આઉટ થતાં મેચ ઈંગ્લેન્ડ તરફ ઝૂકી ગઈ હતી. શમી ત્યારે દાવ લેવા મેદાનમાં ઉતર્યો હતો. ત્યારબાદ 209 રનના સ્કોર પર ઈશાંત શર્મા (16)ની 8મી વિકેટ પડી હતી અને બુમરાહ દાવ લેવા મેદાનમાં ઉતર્યો હતો. ભારતને માથે 27 રનનું દેવું હતું. સૌનાં આશ્ચર્ય વચ્ચે શમી અને બુમરાહે ઈંગ્લેન્ડના બોલરોનો મક્કમતાપૂર્વક સામનો કર્યો હતો અને ટી-બ્રેક સુધી બેટિંગ કરી હતી. ટી-બ્રેક બાદ પણ બંને જણ દાવ લેવા આવ્યા હતા અને 298-8 રનના સ્કોર પર કેપ્ટન વિરાટ કોહલીએ દાવ ડિકલેર કરીને ઈંગ્લેન્ડને જીતવા માટે 60 ઓવરમાં 272 રન કરવાનો પડકાર ફેંક્યો હતો. ઈંગ્લેન્ડની ટીમ એ ગભરાટમાં એક પછી એક વિકેટ ગુમાવતી ગઈ હતી. ભારતના ચાર ફાસ્ટ બોલરોએ ટીમને ચારેબાજુએથી ઘેરીને પટકી દીધી.
પહેલા દાવમાં 129 રન કરનાર ઓપનર કે.એલ. રાહુલને ‘પ્લેયર ઓફ ધ મેચ’ ઘોષિત કરવામાં આવ્યો છે.
લોર્ડ્સ મેદાન પર ટેસ્ટ મેચ જીતનાર વિરાટ કોહલી ભારતનો માત્ર ત્રીજો જ કેપ્ટન છે. આ પહેલાં કપિલ દેવે 1986માં અને મહેન્દ્ર સિંહ ધોનીએ 2014માં ઈંગ્લેન્ડ ઉપર આ મેદાન પર ટેસ્ટ મેચમાં જીત હાંસલ કરી હતી.