ગાંધીનગર: રાજ્યમાં 25 થી 30 ઓગસ્ટ દરમિયાન પડેલા ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 49 વ્યક્તિના મોત થયાની પ્રાથમિક માહિતી સામે આવી છે. બીજી તરફ અત્યાર સુધી રાજ્યમાં 108 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. આમ, તમામ ઝોનમાં 100 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે.રાહત કમિશનર આલોક પાંડેએ ભારે વરસાદના લીધે થયેલા નુકસાનના અહેવાલ અંગે જણાવ્યું કે, “રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં ડિપ્રેશન સર્જાતા ભારે વરસાદ ખાબક્યો છે. આ દરમિયાન (25 થી 30 ઓગસ્ટ) 30 ટકા જેટલો વરસાદ 14 જિલ્લા પ્રભાવિત થયા છે. પૂરગ્રસ્ત વિસ્તારોના 16,95,561 લોકોને 8 કરોડથી વધુ કેશડોલ ચૂકવવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કેશડોલ્સ અને ઘરવખરી સહાયની નિયમાનુસારની ચુકવણી પ્રક્રિયા ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અસરગ્રસ્તોનો સરવે કરીને હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વરસાદથી અસર પામેલા જરૂરિયાતમંદ વ્યક્તિઓ-પરિવારો કે જેમની રોજી-રોટીને અસર થઈ છે તથા ઘરવખરી સામાન તણાઈ જવાથી કે નાશ થવાથી નુકસાન થયું છે તેમને રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવણી કરવામાં આવી છે.”