અમદાવાદ: 147મી રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ભાવિકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો ઈતિહાસ પણ ભવ્ય રહ્યો છે. તો વળી ભગવાન જગન્નાથજીના મોસાળાની ચર્ચાઓ પણ થતી રહે છે. ત્યારે એ જાણવું રસપ્રદ છે કે ભગવાનનું મોસાળુ સરસપુરમાં જ કેમ ભરાય છે?
..માટે સરસપુર ભગવાનનું મોસાળ ગણાય છે!
146 વર્ષ પહેલા શરૂ થયેલી રથયાત્રા ખુબ જ નાના પાયે શરૂ થઈ હતી. નરસિંહદાસજી મહારાજે પહેલી રથયાત્રા વખતે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કર્યા હતા. એ રથયાત્રામાં સાધુ-સંતો ભાગ લેતા હતા. સરસપુરમાં આવેલ રણછોડજી મંદિરમાં તમામ સાધુ-સંતોનું રસોડુ રાખવામાં આવ્યું હતું. ત્યારથી સરસપુર ભગવાન જગન્નાથજીનું મોસાળ ગણાય છે.
હવે રણછોડજી મંદિરમાં દર વર્ષે ભગવાનનું મોસાળુ કરાય છે. એટલુ જ નહીં આગામી 20 વર્ષ સુધીના મોસાળાનું પણ બુકિંગ થઈ ગયું છે. સરસપુરની તમામ પોળોના રહિશો રથયાત્રામાં ભાગ લેનારા તમામ ભાવિક ભક્તોને પ્રેમથી સદાવ્રતથી જમાડે છે. લાખોની સંખ્યામાં આવેલા રથયાત્રિકોને પ્રેમથી પ્રસાદી આપીને પછી જ વિદાય કરાય છે.
મામેરુ ભરાવાનું ધાર્મિક મહત્વ પણ છે
સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ ભરાવાનું પરંપરાગત અને ધાર્મિક મહત્વ પણ છે. ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાયેલી કથા અનુસાર, ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન તેઓ પોતાના મામેરામાં જાય છે. ભગવાના માતા રેલાડીજીનો નિવાસસ્થાન સરસપુરમાં છે અને તેઓ ત્યાં જતાં એમની માતાનો આશીર્વાદ મેળવે છે. આ પ્રમાણે, સરસપુરમાં ભગવાન જગન્નાથનું મામેરુ એક પરંપરાગત, ધાર્મિક અને સામાજિક પ્રસંગ છે. જે અનેક ભક્તોને એક સાથે લાવીને પરંપરા અને સંસ્કૃતિનું જતન કરે છે.