અમદાવાદ: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી(IITR) અને ભૌતિક સંશોધન પ્રયોગશાળા (PRL) વચ્ચે એક ખાસ MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. સંશોધન, શિક્ષણ અને ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે આ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી રૂરકી (IITR) 177 વર્ષ જૂની સંસ્થા છે. જેમાં 23 વિભાગો અને 9 શૈક્ષણિક કેન્દ્રો આવેલા છે. આ ઉપરાંત એક ખાસ શાળા પણ આવેલી છે જે વિજ્ઞાન અને ઇજનેરી, શિક્ષણ, સંશોધન અને ક્ષમતા નિર્માણમાં યોગદાન આપે છે. બીજી તરફ PRL એ ભારત સરકારના અવકાશ વિભાગનું એક એકમ છે. જે ભૌતિકશાસ્ત્ર, અવકાશ ભૌતિકશાસ્ત્ર, સૌર ભૌતિકશાસ્ત્ર, વાતાવરણીય વિજ્ઞાન, ભૂ-વિજ્ઞાન, ખગોળશાસ્ત્ર, ગ્રહ વિજ્ઞાન અને અવકાશ સંશોધનના પસંદગીના ક્ષેત્રોમાં મૂળભૂત સંશોધન કરે છે.