નવી દિલ્હી: ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. ઉદય શંકર અવસ્થીને પ્રતિષ્ઠિત રોચડેલ પાયોનિયર્સ એવોર્ડ 2024 એનાયત કરવામાં આવ્યો છે. ડો. વર્ગીસ કુરિયન પછી આ એવોર્ડ મેળવનાર ડો. અવસ્થી બીજા ભારતીય છે. ડૉ. કુરિયનને વર્ષ 2001માં આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.
રોચડેલ પાયોનિયર્સ એવોર્ડ એ ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) દ્વારા આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે. આ એવોર્ડની શરૂઆત વર્ષ 2000માં કરવામાં આવી હતી. તેનો હેતુ એવી વ્યક્તિ અથવા ખાસ સંજોગોમાં સહકારી સંસ્થાને ઓળખવાનો છે, જેમણે નવીન અને નાણાકીય રીતે ટકાઉ સહકારી પ્રવૃત્તિઓમાં યોગદાન આપ્યું છે.
કેમિકલ એન્જિનિયર ડૉ. અવસ્થીને 1976માં IFFCOમાં નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમના નેતૃત્વ હેઠળ ઉત્પાદન ક્ષમતામાં 292% અને નેટવર્થમાં 688%નો વધારો થયો છે. તેમના નેતૃત્વ હેઠળ IFFCO એ વિવિધ વ્યવસાયિક ક્ષેત્રોમાં સાહસ કર્યું છે, તેના વ્યવસાયમાં વૈવિધ્યીકરણ કર્યું છે અને ભારતના ખેડૂતો માટે નવીન અને સ્વદેશી નેનો ખાતરો સફળતાપૂર્વક વિકસાવ્યા છે.
ICAના પ્રમુખ એરિયલ ગુઆર્કોએ 25 નવેમ્બરે ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા ICAની વૈશ્વિક સહકારી પરિષદમાં એક વિશેષ સમારોહ દરમિયાન ડૉ. અવસ્થીને એવોર્ડ અર્પણ કર્યો હતો. IFFCO લિમિટેડ ICA અને કેન્દ્રીય સહકાર મંત્રાલયની ભાગીદારીમાં ICA જનરલ એસેમ્બલી અને ગ્લોબલ કોઓપરેટિવ કોન્ફરન્સ 2024નું આયોજન કરી રહ્યું છે. આ કોન્ફરન્સનું આયોજન નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે કરવામાં આવી રહ્યું છે અને 30 નવેમ્બર, 2024ના રોજ તેનું સમાપન થશે.
એવોર્ડ પ્રાપ્ત કર્યા પછી, ડૉ. ઉદય શંકર અવસ્થીએ જણાવ્યું હતું કે, “હું આ પ્રતિષ્ઠિત પુરસ્કાર પ્રાપ્ત કરીને ખૂબ જ સન્માનિત અનુભવું છું. આ પુરસ્કાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “સમૃદ્ધિ માટે સહકાર” ના વિઝનનું પ્રતીક છે. સાથે જ ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ IFFCOના અસાધારણ પ્રયાસોને પણ પ્રકાશિત કરે છે. અમે વૈશ્વિક મંચ પર ભારતના સહકારી ચળવળને મજબૂત કરવાના, તેમના વિઝનને આગળ વધારવા માટે સમર્પિત છીએ. હું આ સન્માન માટે ઈન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું, જે અમને વૈશ્વિક સ્તરે સહકારી ભાવનાને ટકાવી રાખવા અને આગળ વધારવા માટે પ્રેરણા આપે છે.”