આઇસી15 ઇન્ડેક્સ 1,962 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ વૈશ્વિક ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો ક્ષણજીવી નીવડ્યો હતો અને ગુરુવારે બજારમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો હતો. 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 4.28 ટકા (1,962 પોઇન્ટ) વધીને 47,806 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 45,844 ખૂલ્યા બાદ 48,312ની ઉપલી અને 45,821ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી અવાલાંશ 24.37 ટકા વૃદ્ધિ સાથે અગ્રસર રહ્યો હતો. ત્યાર બાદ કાર્ડાનો, સોલાના અને ડોઝકોઇનમાં 9થી 11 ટકાની રેન્જમાં વૃદ્ધિ થઈ હતી. ઇન્ડેક્સનો એકમાત્ર ઘટેલો કોઇન પોલીગોન હતો, જેમાં 2.70 ટકા ઘટાડો થયો હતો.

દરમિયાન, અમેરિકાના સંસદસભ્યોના એક જૂથે ક્રીપ્ટોકરન્સી માટેના કરવેરાને લગતા નિયમોમાં ફેરફાર કરવાનો અનુરોધ કર્યો હતો. વર્તમાન નિયમો ઘણા આકરા હોવાનો અભિપ્રાય ક્રીપ્ટોકરન્સી ક્ષેત્રના પ્રતિનિધિઓએ વ્યક્ત કર્યો છે. બીજી બાજુ, કઝાકસ્તાનની સેન્ટ્રલ બેન્કે સીબીડીસી (સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી)નો પ્રયોગ શરૂ કર્યો છે.