ઉત્તર ભારતમાં ભારે વરસાદ, કરાંની સંભાવનાઃIMD  

નવી દિલ્હીઃ ઉત્તર ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ભારે વરસાદ જારી છે. પશ્ચિમી વિક્ષોભ અને સાઇક્લોનિક સર્ક્યુલેશનની અસરે દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં હવામાન બદલાયું છે. હજી પણ ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને કરાં પડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી, મધ્ય પ્રદેશ જેવાં તમામ રાજ્યોમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. અનેક વિસ્તારોમાં કરાં પણ પડ્યા હતા. એ દરમ્યાન અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર ઉત્તર-પશ્ચિમની ઉપર જેટ સ્ટ્રીમ, દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર એક ચક્રવાત અને બંગાળની ખાડીમાં હવાના ઉપરના ભાગમાં વાવાઝોડું બનેલું છે. એક પશ્ચિમી વિક્ષોત્ર પાકિસ્તાનની આસપાસ પણ ચએ. રાજ્યોના મોટા ભાગનાં શહેરોમાં વરસાદ અને કરાંની સ્થિતિ બનેલી છે. ભોપાલ, ઇન્દોર, ઉજ્જૈન, નર્મદાપુરમ, ગ્વાલિયર, ચંબલ, રિવા અને જબલપુરના જિલ્લામાં વરસાદની સાથે હવા અને કરા પડવાની સંભાવના છે. પશ્ચિમી વિક્ષોભ ગયા પછી હવામાનમાં ફરી ફેરફાર થશે અને તાપમાનમાં ઝડપથી ઘટાડો થશે. 30-31 ડિસેમ્બરે ઠંડી વધવાની અને મોટા ભાગના વિસ્તારોમાં ધુમ્મસ છવાવાનો અંદાજ છે. નવા વર્ષે પણ અનેક શહેરોમાં શીતલહેર ચાલવાનો અંદાજ છે.

જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરમાં લઘુતમ તાપમાન માઇનસ ૭.૩ ડિગ્રી નોંધવામાં આવ્યું હતું. હિમાચલ પ્રદેશમાં લાહોલ અને સ્પીતિ જિલ્લાનું તાબો સૌથી ઠંડું રહ્યું હતું. જ્યાં લઘુતમ તાપમાન માઇનસ ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મનાલીમાં લઘુતમ તાપમાન માઇનસ ૦.૩ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જ્યારે શિમલામાં ૨ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. કાશ્મીરમાં મોટા ભાગના સ્થળોએ લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. ખીણમાં ભીષણ ઠંડી ચાલુ છે જેના કારણે અનેક જળાશય અને અનેક વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન જામી ગઇ છે.