ગુજરાતમાં હૃદય રોગના દર્દી વધ્યા, અમદાવાદમાં દરરોજ 67 નવા કેસ!

ગુજરાતમાં હૃદયરોગના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે સતત વધતી જાય છે. આ વર્ષે અત્યાર સુધીમાં 73,470 લોકોને હૃદયસંબંધી સમસ્યાને કારણે હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી છે, જ્યારે 2021માં આ સંખ્યા 42,555 હતી. એટલે કે, છેલ્લા ચાર વર્ષમાં આ આંકડો લગભગ બમણો થયો છે. દરરોજ સરેરાશ 231 અને પ્રતિ કલાકે 9 લોકો હૃદયસંબંધિત સમસ્યાઓનો ભોગ બની રહ્યા છે.

ઈમરજન્સી કોલ્સમાં વધારો

ગુજરાતમાં હૃદયસંબંધિત ઈમરજન્સી કોલ્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સતત વધારો જોવા મળ્યો છે. ઈમરજન્સી સેવા ‘108’ દ્વારા મળેલા આંકડાઓ મુજબ, 2021માં 42,555 કોલ આવ્યા હતા. જ્યારે  2022માં 56,277, અને 2023માં 72,573 ઈમરજન્સી કોલ્સ નોંધાયા હતા. 2024માં આ આંકડો 73,470 પર પહોંચી ગયો છે. માત્ર ગત વર્ષની સરખામણીએ જ હૃદયરોગના ઈમરજન્સી કોલ્સમાં 16.66%નો વધારો થયો છે, જે આ ગંભીર સમસ્યાના વધતા પ્રમાણનું પ્રતીક છે.

અમદાવાદ સૌથી વધુ પ્રભાવિત

ગુજરાતમાં હૃદયરોગની સમસ્યામાં સૌથી વધુ અસર અમદાવાદમાં જોવા મળી છે. આ વર્ષે માત્ર અમદાવાદમાંથી જ 24,460 દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. દરરોજ સરેરાશ 67 લોકો હૃદયસંબંધિત સમસ્યાઓ માટે સારવાર લેતા જોવા મળે છે. રાજ્યભરમાં હૃદયની સમસ્યાના કુલ 30% કેસ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. 2023ની સરખામણીએ 2024માં અમદાવાદમાં 15.47%નો વધારો નોંધાયો છે. જયારે  પોરબંદરમાં હૃદયરોગના દર્દીઓમાં આ વર્ષે સૌથી વધુ 39.73%નો ઉછાળો જોવા મળ્યો છે. 2023માં પોરબંદરમાં 1,145 દર્દી હતા, જે 2024માં વધીને 1,601 સુધી પહોંચ્યા છે.

ચાર વર્ષમાં બમણો વધારો

ગુજરાતમાં હૃદયસંબંધિત રોગીઓની સંખ્યા વધતી જ રહી છે. આ વર્ષે અત્યાર સુધી હૃદયની ઈમરજન્સી કોલ્સમાં અમદાવાદના પછી સુરત બીજા, રાજકોટ ત્રીજા, વડોદરા ચોથા અને ભાવનગર પાંચમા સ્થાને છે. અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલની હાર્ટ હૉસ્પિટલમાં આ વર્ષે 26,199 કાર્ડિયાક સર્જરી થઈ છે. આમાંથી 430 દર્દીઓને બલૂન અને 1,136 લોકોને પેસમેકર મૂકવામાં આવ્યા છે. હૉસ્પિટલમાં આ વર્ષે કુલ 3.31 લાખ આઉટડોર દર્દી નોંધાયા છે, જ્યારે 45,390 દર્દીઓ ઇન્ડોર સારવાર માટે આવ્યા છે. ગત વર્ષે આ આંકડા 3.35 લાખ આઉટડોર અને 47,230 ઇન્ડોર દર્દી હતા. આ આંકડાઓ દર્શાવે છે કે હૃદયની સમસ્યાઓમાં સતત વધારો થઈ રહ્યો છે, અને આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તબીબી સંસ્થાઓએ વધુ અસરકારક સારવાર માટે તૈયારી કરવી જરૂરી છે.

પાંચ જિલ્લાઓમાં હૃદયના દર્દીબામાં 25 ટકાથી વધુનો વધારો

પાંચ જિલ્લાઓમાં હૃદયના દર્દીમાં 25 ટકા થી વધુનો વધારો નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં 2023માં 1145 અને 2024માં 1601 દર્દી નોંધાયા, જે 39.83%નો વધારો છે. દાહોદમાં 2023માં 921 અને 2024માં 1217 દર્દી નોંધાયા, જે 32.14%નો વધારો છે. ડાંગમાં 2023માં 360 અને 2024માં 460 દર્દી નોંધાયા, જે 27.78%નો વધારો છે. સુરતમાં 2023માં 5533 અને 2024માં 6726 દર્દી નોંધાયા, જે 26.12%નો વધારો છે. મહીસાગર જિલ્લામાં 2023માં 690 અને 2024માં 863 દર્દી નોંધાયા, જે 25.07%નો વધારો છે. આ આંકડાઓ હૃદયસંભાળ અંગેની ગંભીર ચેતવણી છે.