પાચનતંત્રને મજબૂત રાખતું અસરકારક આસન

યોગ અને યોગાસનોથી થતા ફાયદાઓ વિશે હવે કોઇને કહેવાની જરૂર નથી. ખાસ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના કારણે યોગને લગતી બાબતોમાં આપણે ત્યાં વિશેષ જાગૃતિ આવતી જાય છે ત્યારે આજે વાત કરીએ એક એવા આસનની, જે વર્તમાન જીવનશૈલીમાં સૌના માટે ઉપયોગી છે.

ભોજનને પચાવવા તથા પાચનતંત્રને મજબૂત રાખવવા માટે સૌથી સરળ અને અસરકારક આસન છે વજ્રાસન. વજ્રાસન એક એવુ આસન છે જે ભોજન પછી પણ કરી શકાય છે. તેનાથી પેટ સંબંધી સમસ્યાઓ જેમ કે, અપચો, ગેસ, કબજિયાત આફરો જેવી તકલીફ થતી નથી. માત્ર ડાઇજેશન માટે જ નહી, પણ તમે ખૂબ થાક્યા હો, પગમાં દુખાવો થતો હોય એ સમય પગને જાતે જ દબાવીને આરામ આપનારૂં આસન છે. 3 થી 4 દિવસ સુધી સતત આ આસન કર્યા બાદ તમે તેનાથી થતા ફાયદાઓને જાતે જ અનુભવી શકો છો. વજ્રાસન યોગાસનોમા એક મહત્વપૂર્ણ આસન ગણાય છે.

ચાલો જાણીએ, પાચનમાં રામબાણ ગણાતું આ આસન કરવાની રીત..

-સૌથી પહેલા યોગ મેટ પર બેસી જાઓ

-હવે બંને પગના ઘૂંટણે ઉભા થાઓ.

-આ સ્થિતિમાં પાછા મેટ પર બેસી જાઓ.

-બેસ્યા બાદ પગના તળિયા હિપ્સની નીચે રહેશે.

-હવે બંને હાથ સાથળ પર મૂકો.

-આ મુદ્રામાં 5 થી 7 મિનિટ સુધી સામાન્ય શ્વાસ લેતા રહો.

 

વજ્રાસનમાં બન્ને પગને વાળીને નિતંબ નીચે એડીઓ રાખવાની હોય છે. ઘૂંટણ સંપૂર્ણ વળેલા છે. આ સ્થિતિમાં શરીર રહેવાથી કમરની નીચેના ભાગમાં રક્તપરિભ્રમણ ઘટે અને વધુ બ્લડ ફલો પેટ અને પાચનનું કાર્ય કરતા ઓર્ગનને મળવાથી પાચન ઝડપી બને છે.

આ પોઝિશનમાં બેસવાથી કાફ મસલ્સ એટલે કે પગની પિંડીઓ પર સારા પ્રમાણમાં પ્રેશન આવે છે. જોકે જ્યારે તમે આ પોઝિશનમાં બેસો એટલે તમારા ઘૂંટણના સાંધામાં પણ સારા એવા પ્રમાણમાં ખેચાણ થાય છે. વજ્રાસન આસનમાં શ્વસનક્રિયા સામાન્ય રાખવી.

વજ્રાસન કોઈ પણ સમય કરી શકાય છે. ખાસ કરીને જમ્યા પછી આ આસન કરવું લાભદાયી રહે છે. ( 4 થી 5 મિનિટ કરવું )

વજ્રાસનના ફાયદાઓ..

– આ આસન પાચન ક્રિયા માટે ખૂબજ ઉપયોગી છે.

– આ આસન બંને સાથળને મજબૂત બનાવે છે.

– ગેસની સમસ્યા માટે લાભદાયી

– આ આસન કરવાથી સાથળ અને પગની પિંડીનો દુખાવો ઓછો થાય છે.

– પેટ સંબંધિત વિકારો દૂર થાય છે.

– આ આસનને નિયમિત રીતે કરવાથી પીઠનો દુખાવો અને સાયટિકાની સમસ્યામાં રાહત મળે છે.

– બોડી પોશ્ર્ચર સુધારે છે.

– આ આસન કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને તેને સીધી રાખવામાં મદદ કરે છે.

 

આ આસન કોણે ન કરવું…

– જેમને કમરનો દુખાવો હોય તેમણે આ આસન ન કરવું.

– પગના કોઇ પણ ભાગમાં નજીકના સમયમાં કોઈ નાની મોટી સર્જરી કરાવી હોય તેવા વ્યક્તિઓએ પણ આ આસન ન કરવુ જોઈએ.

– જેમને પાઇલ્સની સમસ્યા હોય તેમને આ આસન ન કરવું.

– ઘૂંટણ નબળા હોય તેવી પરિસ્થિતિમાં યોગશિક્ષકની દેખરેખમાં જ આ આસનનો અભ્યાસ કરવો.

 

(પત્રકારત્વમાં માસ્ટર્સ કર્યા પછી હાલ યોગા ઈન્સ્ટ્રક્ટર તરીકે કાર્યરત અમદાવાદસ્થિત નેહા સેન યોગના વિષયને લઇને લોકોમાં જાગૃતિ કેળવવાનું કામ કરે છે. ખાસ કરીને મહિલાઓમાં આ વિષયે જાગૃતિ લાવવા એમણે ગુજરાત યુનિવર્સિટીમાં યોગના ઘણા સેશન્સ લીધા છે.)