આપણે ત્યાં ‘કોઠાના સંસ્કાર’ જેવો શબ્દ છે. સુભદ્રા ગર્ભવતી હતાં ત્યારે ગર્ભમાં જ અભિમન્યુએ ચક્રવ્યૂહની વિદ્યા શીખી હતી. બાળક ગર્ભમાં હોય ત્યારથી જ તેના પર સંસ્કાર પડવાના શરૂ થઈ જાય છે. આથી જ ગર્ભવતી મહિલાએ પોતાના આચારવિચાર અને આહારવિહાર પર ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પરંતુ આ એકલી ગર્ભવતી મહિલાની જવાબદારી નથી. બાળક કંઈ એકલું તેનું જન્મવાનું નથી. તેની સાથે બાળક તેના પતિનું પણ છે. તેના સાસુસસરા, નણંદ વગેરે પણ પોતાના પૌત્રપૌત્રી કે ભત્રીજાભત્રીજીના સારા કાર્ય માટે ‘અમારા પરિવારનું બાળક’ કહીને ગર્વ લેશે. તેથી તેમની પણ જવાબદારી બને છે કે જ્યારે તેમના પરિવારની વહુ ગર્ભવતી હોય ત્યારે તે આનંદમાં રહે. તેને ક્રોધ ન આવે.
આથી જ પહેલાંના સમયમાં પહેલી પ્રસૂતિ કરાવવા વહુને પિયર મોકલતા હતા. પહેલી પ્રસૂતિ વખતે હજુ વહુ સાસરામાં બરાબર ગોઠવાઈ ન હોય અને સાસરિયાઓને પણ હજુ વહુ પ્રત્યે જોઈએ તેવી લાગણી બંધાઈ ન હોય. તેથી પ્રસૂતિ વખતે તે જો પિયરમાં રહે તો તે આનંદમાં રહી શકે. તેની માતાને ખબર હોય કે તેની દીકરીને શું ગમશે અને શું નહીં. તેને શું જોઈએ અને શું નહીં.
આ તો વાત થઈ ગર્ભાવસ્થા દરમિયાન કાળજીની. પરંતુ આ સાથે બીજી કેટલીક કાળજી ગર્ભવતી મહિલાએ અને તેના પરિવારજનોએ રાખવાની જરૂર છે. મહિલા ગર્ભવતી હોય ત્યારે સારાં ચરિત્ર ધરાવતા લોકોનાં પુસ્તકો વાંચે, ટીવી બને તો ટાળે. મોબાઇલ પણ બને તેટલો ઓછો વાપરે. અને હા, જો માતૃભાષા પ્રત્યે ગૌરવ હોય (અને કોને નહીં હોય) તો ગર્ભાવસ્થામાં રહેલા બાળકને માતૃભાષા માટે પ્રેમ જગવી શકાય.
આ વાત કોઈ આધાર વગર અમે નથી કહી રહ્યા. અમેરિકાના ન્યૂ યૉર્ક શહેરમાં ઇકાહ્ન સ્કૂલ ઑફ મેડિસિનમાં એન્વાયરન્મેન્ટલ ઍન્ડ પબ્લિક હૅલ્થના પ્રાધ્યાપક શાન્ના સ્વાને એક અભ્યાસ કર્યો છે. આ અભ્યાસ મુજબ, જો ગર્ભવતી મહિલાઓ ગર્ભાવસ્થાની શરૂઆતમાં થેલેટ નામના રસાયણોના સંપર્કમાં આવે તો બાળક ભાષા કૌશલ્યો બરાબર શીખતું નથી. તે મોડું બોલતા શીખે છે.
થેલેટ એ ઘણાં બધાં ઉત્પાદનોમાં મળે છે. તે નૅઇલ પૉલિશ અને હૅર સ્પ્રેથી માંડીને ખાદ્ય ચીજોના પૅકેજિંગ તેમજ વિનાઇલ ફ્લૉરિંગમાં તે હોય છે.
નવા અભ્યાસ મુજબ, સંશોધકોને જાણવા મળ્યું છે કે બાળકમાં ભાષા શીખવામાં વિલંબ થવાનું જોખમ ૩૦ ટકા વધુ હોય છે. આ વધુ જોખમ જેમની માતા ગર્ભાવસ્થામાં, ખાસ કરીને બે થેલેટ- ડિબુટીલ થેલેટ (ડીબીપી) અને બુટીલ બેન્ઝીલ થેલેટ (બીબીપી)ના સંપર્કમાં આવે તો રહે છે. બંને રસાયણો વિનાઇલ ફ્લૉરિંગ, સૌંદર્ય પ્રસાધનો અને પ્લાસ્ટિકનાં રમકડાંઓમાં હોય છે.