વિટામિન અને મિનરલની ગોળીઓ લેવી જોઈએ કે નહીં?

મોટા ભાગના ડૉક્ટરોને આવો સવાલ અવારનવાર તેમના દર્દીઓ પૂછતા જ હોય છે. મોટા ભાગે ડૉક્ટરો આવી સલાહની રાહ જોતા જ નથી અને નાની હોય કે મોટી બધી બીમારીમાં ટોનિક તરીકે વિટામિન મિનરલની ગોળીઓ કે દવા લખી આપતા જ હોય છે. બીમારીની વાત જવા દઈએ પણ તંદુરસ્ત સ્ત્રી પુરુષોએ વેટામિન-મિનરલ લેવાનો સવાલ આવ્યો ત્યારે નોર્થ કેરોલીના યુનિવર્સિટીનો એક રીપોર્ટ જાણવા જેવો છે.

1. તંદુરસ્ત વ્યક્તિઓએ પોતાની રોજની જરૂરિયાતના વિટામિન અને મિનરલ્સ લીલા શાકભાજી અને તાજાં ફળોમાંથી મેળવવા જોઈએ આ એક ચોક્કસ બાબત છે.

2. જે લોકો કોઈ પણ પ્રકારની શારીરિક પ્રવૃત્તિ, કસરત કે રમતગમતમાં ભાગ ના લેતા હોય તેવા લોકોને ૫૦ વર્ષ પછી વિટામિન-મિનરલ સપ્લિમેન્ટ લેવાની જરૂર પડે છે.

3. હરીફાઈ માટે રમતગમતમાં ભાગ લેતા હોય. હેવી વેઈટ અને હેવી કસરતો કરતા હોય તેવા સૌએ વિટામિન- મિનરલ સપ્લિમેન્ટ લેવા જોઈએ.

4. માનસિક તનાવ, બી.પી, ડાયાબિટીસ, હાર્ટઍટેક, બાયપાસ હાર્ટ સર્જરી કરાવેલ હોય તેમજ લિવરની તકલીફ, ટાઇફોઇડ જેવી તાવની લાંબી બીમારીથી પીડાનારા ખૂબ પ્રમાણમાં અનેક પ્રકારની દવાઓ લેનારા, સિગારેટ-તમાકુ દારૂ અને કેફી પદાર્થોનો ઉપયોગ કરનારા, વારસામાં મળેલી બીમારીવાળા, થાઈરોઈડની સારવાર લેનારા, જેના હિમોગ્લોબીન  <૧૨ ગ્રામથી ઓછો હોય, Malabsorption Syndrome (સંગ્રહણી) , Nutritional Deficiency (પોષક તત્ત્વો વગરનો ખોરાક લેનારા) વાળા, પૂરતું દૂધ, શાકભાજી અને ફળો નિયમિત નહીં લેનારા, મરડો અને કરમિયાના રોગવાળા અને ઉપવાસ કરનારા સૌ કોઈએ વિટામિન મિનરલ્સ સપ્લિમેન્ટ લેવા જોઈએ.

તમારે વિટામિનની જરૂરત છે કે નહીં તે માટે ઘણી બધી વાતોનો તમારે વિચાર કરવો પડે. તમારા ડૉક્ટરને પણ પૂછવું પડે. નીચેની વિગતો જુઓ.

1. સારો ખોરાક લેતા હો તો વિટામિન મિનરલ્સ વગર ચાલે? મોટા ભાગના વૈજ્ઞાનિકો એક વાત પર સંપૂર્ણ રીતે સંમત થાય છે કે જો તમારે બધા જ વિટામિન અને મિનરલ્સ લેવા હોય તો તમારે સંતુલિત આહાર લેવો જોઈએ. જેમાં ૫૦ ગ્રામ પ્રોટીન, ૩૦૦ ગ્રામ કાર્બોહાઇડ્રેટસ અને ૪૦ ગ્રામ ચરબી અને વિટામિન મિનરલ્સ અને પાણી લેવા જોઈએ. તમે વારેવારે ઉપવાસ કરતા હો, વજન ઉતારવા ડાયેટિંગ કરતા હો, તૈયાર પ્રોસેસ કરેલો ખોરાક જ લેતા હો જેમાં પોષક તત્ત્વો ના હોય તો તમારે સપ્લિમેન્ટ તરીકે વિટામિન-મિનરલ્સ લેવા જોઈએ. આટલા કારણો સિવાય તમારી ઉંમર, તબિયત અને ડ્રિંક્સ લેવાની ટેવ આટલા બધા કારણો પણ સપ્લિમેન્ટ લેવા માટે ગણી શકાય.

2. તમારી ઉંમર: જુદી જુદી ઉંમરે તમારે વિટામિન—મિનરલ્સ વત્તાઓછા પ્રમાણે લેવા જોઈએ. બાળકોને, ગર્ભવતી સ્ત્રીઓને, ૬૦ વર્ષની ઉપરના લોકોને વિટામિન મિનરલ્સ વધારે જોઈએ. ૧૧થી ૨૨ વર્ષનો સમય કિશોર કિશોરીઓને શારીરિક અને માનસિક વિકાસનો છે. આ ઉંમરે જો તેઓને બહારના ચટાકેદાર પણ સત્ત્વ વગરના ખોરાક ખાવાનો રસ અને ટેવ હોય તો તેમને વિટામિન-મિનરલ્સ સપ્લિમેન્ટ આપવા જોઈએ. મોટી ઉંમરે તમને ચોકઠું આવ્યું હોય, કસરત નહીં કરવાને લીધે તમારી પાચનશક્તિ અને આંતરડાની ખોરાકમાંથી મળતા તત્ત્વો ઍબસોર્બ કરવાની શક્તિ ઓછી થઈ ગઈ હોય ત્યારે વિટામિન અને મિનરલ સપ્લીમેન્ટ આપવા જોઈએ. આ ઉંમરે તમારો ખોરાક ઓછો થઈ જવાનું બીજું કારણ તમારી સ્વાદની અને સુગંધની શક્તિ ઓછી થઈ ગઈ હોય એ પણ છે.

3. તમારો હાલનો ખોરાક: તમે સવારના નાસ્તો કરતા ના હો. કોરો અથવા ચરબીવાળો અને ખાંડવાળો નાસ્તો લેતા હો, બજારનો તૈયાર ખોરાક જેમાં વિટામિન અને મિનરલ્સ હોવાની શક્યતા નહીંવત્ છે તે લેવાની ટેવ હોય, ચારે ફૂડ ગ્રૂપ (દૂધ અને દૂધની બનાવટો, અનાજ ને કઠોળ, ફળો, શાકભાજી) રોજ લેવાતા ના હો ત્યારે, ડાયેટિંગના ખોટા ગરબડવાળા પ્રયોગો કરી ૧૨૦૦ કેલેરીથી પણ ઓછો ખોરાક લેતા હોય ત્યારે, ચરબીવાળો (તેલ, ઘી, માખણ) ખોરાક તદ્દન બંધ કરી દીધો હોય ત્યારે તમારી પાસે બે રસ્તા છે. એક તો તમારી કુલ કૅલરીથી જરૂરતનો ચોથો ભાગ તાજા ફળો અને લીલા શાકભાજી લઈને, બાકીના ત્રણ ભાગ દૂધ, દૂધની બનાવટો ને કાર્બોહાઇડ્રેટસથી પૂરો કરવાનો છે. બીજો સહેલો પણ પ્રમાણમાં ખર્ચાળ રસ્તો વિટામિન-મિનરલ્સ સપ્લિમેન્ટ રોજની જરૂરતથી પણ થોડા વધારે લેવા જોઈએ.

4. તમારી તબિયત કેવી છે? – ઑપરેશન કરાવેલ હોય, ઈજા થઈ હોય ત્યારે તમારી વિટામિન ‘સી’ અને ઝિંકની જરૂરત વધી જાય. એન્ટેસિડ (ઍસિડિટીની દવા), ઊંઘવાની દવા, આંચકીની દવા, એન્ટીબાયોટીક દવાઓ, જુલાબની દવાઓ, ડિપ્રેશનની દવાઓ—આ બધી દવાઓથી તમારા શરીરમાં ફળો અને શાકભાજી મારફત લીધેલા વિટામિન અને મિનરલ્સનો ઉપયોગ તમારું શરીર કરી શકતું નથી. કેટલીક દવાઓની આડઅસરથી પણ તમારો શરીરને પૌષ્ટિક ખોરાક લીધો હોય ત્યારે પણ ફાયદો થતો નથી. આ ઉપરાંત કબજિયાત, ઝાડા, મરડો, કમળો, ડાયાબિટીસ, બી.પી, કેન્સર, હાર્ટઍટેક સ્ટ્રોક વગેરે બીમારીઓ વખતે અને માનસિક તનાવ વખતે પણ તમારા શરીરને પૌષ્ટિક ખોરાક ખાવા છતાં ફાયદો થતો નથી. દવાઓની આડઅસરમાં ઊબકા, ઊલટી, પેટની ગરબડ વગેરેને લીધે ખોરાક પણ પૂરતો લેવાતો નથી. આવે વખતે વિટામિન મિનરલ સપ્લિમેન્ટ લેવા જોઈએ.

તમને કોઈ વ્યસન છે? સિગારેટ પીનારાનું વિટામિન ‘સી’ લેવલ ઓછું થઈ જાય, દારૂ પીવાથી વિટામિન ‘સી’, બી-કોમ્પલેક્ષ અને ‘ડી’ ઓછા થાય. શ્રેષ્ઠ રસ્તો દારૂ તમાકુ છોડી દેવાનો છે.

આટલી વાત ખાસ યાદ રાખશો: જો તમે તમારા લોહીનું હિમોગ્લોબીન લેવલ 100 ટકા રાખવા માગતા હો, તમારી મોટી ઉંમર સુધી તમારા શરીરમાં હોર્મોન ઉત્પન્ન કરનારી બધી જ ગ્રંથિઓ સરસ રીતે કામ કરે તેવી ઇચ્છા હોય, તમારી પાચનશક્તિ સો વર્ષ સુધી અકબંધ રાખવી હોય, તમારા મગજની કાર્યશક્તિ અને યાદશક્તિને ટકોરાબંધ રાખવા જરૂરી ન્યુરો ટ્રાન્સમીટર્સને વધારે કાર્યક્ષમ બનાવવા હોય તો તમારે વિટામિન અને મિનરલ્સનું યોગ્ય પ્રમાણ લેવું જ પડશે.

તમને ખબર ના પડે તો તમારા ડૉક્ટરની સલાહ લેશો પણ સંતુલિત ખોરાક અને ફળોને શાકભાજીમાંથી યોગ્ય પ્રમાણ ના જળવાતું હોય એમ તમને લાગે તો વિટામિન-મિનરલ્સ સપ્લિમેન્ટ અવશ્ય લેશો.

સ્ત્રીઓ માટે ખાસ સૂચના :

(1) સુવાવડ પહેલાં તમારે વિટામિન ‘બી  કૉમ્પલેક્ષ, વિટામિન ‘સી’ ફૉલિક ઍસિડ, અને આયર્ન પૂરતા પ્રમાણમાં લેવા જોઈએ, નહીં તો બાળક ખોડવાળું અને અશક્ત ઓછા લોહીવાળું જન્મશે.

(4) તમારી સુવાવડ પહેલાં અને બાળક ધાવતું હોય ત્યાં સુધી વિટામિન ‘બી’ કૉમ્પલેક્ષ, આયર્ન અને વિશેષ કરીને કેલ્શિયમ લેવું જોઈએ જેથી બાળકનો વિકાસ બરોબર થાય.

(3) જ્યારે માસિકનું પ્રમાણ વધારે આવતું હોય ત્યારે ખાસ કરીને મલ્ટી વિટામિન અને આયર્નની ગોળીઓ લેવી ખૂબ જરૂરી છે.

(4) સંતતિનિયમનની(Baby Planning) અને મેનોપોઝ વખતે લેવાતી ગોળીઓથી વિટામિન ‘બી-૬’ અને ફૉલિક ઍસિડની ગોળીઓ લેવાની ખૂબ જરૂર છે.

યોગ્ય ખોરાકના અભાવમાં તમારે વિટામિન—મિનરલ્સ સપ્લિમેન્ટ લેવા જોઈએ.

(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)