સ્ટ્રેસની વ્યાખ્યા આપવી સહેલી નથી. કોઈ પણ પ્રસંગ પ્રત્યે તમારો અભિગમ (Attitude) કેવો છે તે ઉપર તે પ્રસંગને આનંદ ગણવો કે માનસિક તનાવ એ નક્કી થાય. બે મિત્રો સરસ Movie જોવા ઘેરથી નક્કી કરીને ગયા હોય. Movie સારું હોય, મઝા આવી હોય, છતાં એક જણને ખૂબ આનંદ આવે, જ્યારે બીજો જેને માનસિક તનાવ (સ્ટ્રેસ)ની ટેવ પડી હોય તે સીટ સારી નથી, તાપ લાગે છે, ગંધ મારે છે. આના કરતાં બીજુ Movie સારું હોત, આના કરતાં બીજુ Theater સારું હોત —આવી બધી ફરિયાદ કરી આનંદને ટેન્શનમાં બદલી નાખે છે. ખરી રીતે સ્ટ્રેસ તમારા મનની સ્થિતિ છે અને જો આ સ્થિતિ સતત રાખો તો હવે તે એક નવા મેડિકલ સાયન્સ “PSYCHO-NEURO IMMUNOLOGY – સાયકોમ્યુરો ઇમ્યુનોલૉજી”ના પ્રયોગોથી નક્કી થઈ ગયું છે કે આ સતત ‘સ્ટ્રેસ’ની સ્થિતિથી તમારા મનની હાલત ખરાબ થાય છે અને આ ખરાબ થયેલા મનની અસર તમારી ‘ઇમ્યુનીટી’ રોગપ્રતીકારક શક્તિ પર થાય છે.
અર્વાચીન યુગના મહાન ડૉક્ટર અને વૈજ્ઞાનિક ડૉ. હાન્સ સેઈલે પોતાના પુસ્તકમાં સરસ વિધાન લખ્યું છે: ‘માનસિક તનાવ વગરનું જીવન મૃત્યુ છે’ જન્મથી મૃત્યુ સુધી આબાલવૃદ્ધ, સ્ત્રી, પુરુષ સૌ કોઈ જીવનમાં ‘સ્ટ્રેસ’ આગળથી પાછળથી કે બાજુમાંથી ડોકીઆ કરતો જ હોય છે. તમને આનંદ આપતી શારીરિક, માનસિક, ભૌતિક કોઈ પણ ક્રિયા સાથે જાણે, અજાણે ‘સ્ટ્રેસ’ હોય છે. જ્યારે જ્યારે આ ‘સ્ટ્રેસ’ વધે ત્યારે આ ‘સ્ટ્રેસર્સ’થી માણસ અવશ્ય બીમાર પડે છે અને મૃત્યુને શરણે જાય છે.
સ્ટ્રેસ વખતે શરીરમાં શું ફેરફાર થાય છે ?
૧૯૧૪ની સાલમાં પ્રખ્યાત વૈજ્ઞાનિક ડબલ્યુ બી. કેનને સમાજને નવો શબ્દ આપેલો. જેનું નામ પાડેલું ‘FIGHT OR FLIGHT RESPONSE (યુદ્ધ કરો કાં નાસી જાઓ.) તમારા શરીરને કોઈ પણ ભય લાગે તેવી પરિસ્થિતિ વખતે શરીરનું
1 Temprature વધે.
2 ચયાપચય (મેટાબોલીઝમની ક્રિયા વધે.
3 આ વખતે તમારા હોર્મોન વધારે નીકળે (Adrenalin/ Noradrenalin).
4 શારીરિક (ફિઝિઓલોજીકલ) અને રાસાયણિક (કેમિકલ) ક્રિયાઓ વેગવંતી થાય.
5 આ બધું ક્ષણવારમાં થવાથી તમારા સ્નાયુ સખત (Contraction/ muscle Spazm) બને.
6 મગજનો હાયપોથેલેમસનો ભાગ તમારી મુખ્ય હોર્મોન ગ્રંથિ પીચ્યુટરી ગ્રંથિને વધારે હોર્મોન કાઢવા કહે જેને લીધે તમારી ‘એડ્રેનલ ગ્રંથિ’માંથી વધારે પ્રમાણમાં ‘એડ્રોનલીન’ નામનો હોર્મોન વધારે નીકળે જેથી શરીરની, ગ્લુકોઝની માગણી વધે જેથી સ્નાયુ સરસ કામ કરે છે.
7 આ વખતે લિવર પણ સ્નાયુને વધારે ગ્લુકોઝ પહોંચાડે.
8 શરીરને વધારે ઓક્સિજન જોઈએ એટલે ફેફસાંની શ્વાસ લેવાની અને હૃદયના ધબકારાની ગતિ વધી જાય અને
9 આને પરિણામે તમારું બી. પી. પણ વધે.
10 જ્યાં તાત્કાલિક જરૂર છે તેવા સ્નાયુને લોહી (શક્તિ) વધારે પહોંચાડવા જ્યાં જરૂર નથી અથવા ઓછી જરૂર છે તેવાં બધા જ અંગો (હોજરી, લાળગ્રંથિ, આંતરડાં અને કિડની)ને લોહી ઓછું મળે. આ બધી જ શરીરની જાગ્રત થવાની પ્રક્રિયાઓ Arousal કહેવાય.
જ્યારે આ ક્રિયાઓના પરિણામરૂપી શરીરને અણગમાના ભાવ થાય તેને ભય (FEAR), ભયની આકાંક્ષા (Apprehension) અને ચિંતા (Anxiety) આ ભેગા થઈ ટેન્શન-સ્ટ્રેસ ઊભા કરે. આટલું જો આપણે સમજ્યા હોઈએ તો એટલું ચોક્કસ નક્કી થઈ ગયું કે જીવનમાં — જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી તાકિદની પરિસ્થિતિ આવવાની જ અને જેને લીધે શરીર અને મન બંને સાબુત છે તેને ‘સ્ટ્રેસ’ રહેવાનો જ.
આટલું યાદ રાખવું જરૂરી છે કે જૂના જમાનામાં હોય કે અત્યારે ‘સ્ટ્રેસ’ને જીવનનાં ભાગ તરીકે સ્વીકારી લો. કોઈ પણ સંજોગોમાં તેને ‘Chronic’ થવા ના દો. તો તમને સ્ટ્રેસ હેરાન નહીં કરે. આપણે બધા જ જાણીએ છીએ કે સ્ટ્રેસને જેવું જીવનમાં સતત સ્થાન આપ્યું કે તેમાંથી, પહેલાં કહ્યું તેમ ‘રોગપ્રતીકારક શક્તિ ઓછી થવાની અને તમે સાવ તંદુરસ્ત હશો તોપણ બીમારીનો ભોગ બનવાના. આમ છતાં સ્ટ્રેસનાં સામાન્ય અને અસામાન્ય કારણો જાણી લો.
સામાન્ય કારણોમાં : –
1 કોઈ રોગ થયો હોય.
2 પરીક્ષા આપવાની હોય.
3 નોકરી કે ઘર બદલવાનું હોય.
4 પતિ કે પત્ની સાથે બનતું ન હોય.
5 ડાયવોર્સ લીધો કે લેવાનો હોય કે મૃત્યુ થયું હોય.
6 નોકરી મળતી ના હોય.
7 ધંધાની ચિંતા હોય
આજકાલ સોશિયલ મીડિયા લગભગ તમામ વય જૂથોમાં Stress અને નકારાત્મક વિચારોનું મુખ્ય પરિબળ છે જે આખરે ડિપ્રેશન તરફ દોરી જાય છે. So Avoid using them in excess.
અસામાન્ય કારણોમાં :-
1 વસ્તી વધારો.
2 રોજિંદી જરૂરિયાતની વસ્તુઓની અછત.
3 ઊંઘ બરાબર ના આવે.
4 નોકરી-ધંધે પહોંચવાની (સમયસર) તકલીફ,
5 જગ્યા બદલવાની હોય.
6 અશક્તિ લાગતી હોય.
7 પૂરતું ખાઈ શકતા ન હોય.
8 વ્યસન છોડી શકતા ના હોય.
9 કાલ્પનિક ભય લાગતો હોય.
10 વધારે કસરત કરવાની આદત પડી હોય.
11 અવાજનું પ્રદૂષણ.
12 હવાનું અને ખોરાકનું પ્રદૂષણ,
13 જૂની ભૂલ જેને લીધે નુકસાન થયું હોય તે સ્વીકારવાને બદલે યાદ કર્યા કરવું વગેરે ગણાય.
સ્ટ્રેટ માટે તો આખું પુસ્તક પણ લખવું ઓછું પડે. સાવ સરળ ભાષામાં આના ઉપાય બતાવવા પહેલાં એટલું લખવું ખૂબ જરૂરી છે કે
૧. સ્ટ્રેસ સાથે જીવવા પ્રયત્ન કરો.
૨. સ્ટ્રેસને જીવનની જરૂરિયાત સમજી લો અને નીચેના નિયમો પાળો.
- સમયના પાબંદ બનો. (ટાઈમ મેનેજમેન્ટ): ગયો સમય પાછો નથી આવતો માટે આખા દિવસના કાર્યક્રમનું પૂરેપૂરું આયોજન કરો.
- તમને સમય થોડો પણ મળે ત્યારે તમને જેમાં ખૂબ આનંદ આવતો હોય તેવી પ્રવૃત્તિ કરો. વાંચવું, લખવું, ચિત્રકામ, સંગીત, ફરવાનો શોખ, મિત્રોને મળવાનું વગેરે તમને મદદ કરશે.
- PROGRESSIVE RELAXATION નામના પુસ્તકના લેખકે જ્યારે જ્યારે ટેન્શન થાય ત્યારે એક જગાએ બેસી અને સાવ શાંત મન રાખીને માથાના સ્નાયુથી શરૂ કરી પગના સ્નાયુ સુધી ધીરે ધીરે ‘RELAXATION’ કરવાની સરસ પદ્ધતિ બતાવી છે તેનો ઉપયોગ કરો. Or યુટ્યુબનો પણ ઉપયોગ કરી શકાય છે
- હસવામાં મઝા છે. ટુચકા, રમૂજ, રમૂજી પ્રસંગો, આનંદ આપનારી Movie/ Shows જુઓ. ખૂબ હસો. હાસ્ય ક્લબમાં જાઓ. મન ખૂબ હળવું થશે. સ્ટ્રેસ જતો રહેશે.
- રિટાયરમેન્ટનું અગાઉથી પ્લાનિંગ કરવું. ના આવડતી હોય તેવી વસ્તુઓ શીખવા પ્રયત્ન કરો. જુદા જુદા રસના વિષયો કેળવો. શક્ય હોય અને ક્ષમતા હોય તેટલી બીજાને (પૈસાની નહીં) મદદ કરો.
- કસરત કરો: હજુ સુધી કરી નથી. કાંઈ ચિંતા નહીં. નવેસરથી શરૂ કરો.
ધીમે ધીમે નાના ગોલ રાખી કસરત કરવાથી તમને ભલે વાર લાગશે, પણ સફળતા મળશે અને થોડી પણ સફળતા તમને સિદ્ધિના શિખરે પહોંચાડશે. હાસ્ય ક્લબની કસરત, ચાલવાની, સ્વીમિંગ કરવાની કે તમને ગમતી કોઈ પણ કસરત ફાયદો જ કરશે. ઉતાવળ કરશો નહીં.
- વેકેશન ભોગવો: નવી નવી જગાએ તમારી ક્ષમતા પ્રમાણે ફરવા જાઓ. નવા મિત્રો બનાવો. નવી જગાઓની માહિતી મેળવો.
- ઓટોસજેશન: તમે જે પરિસ્થિતિમાં હો તેનો સ્વીકાર કરવા ઓટો સજેશન કરો. ભૂતકાળ ભૂલી જાઓ. ભવિષ્યના ખરાબ વિચાર ના કરો. જે કાંઈ કપરી પરિસ્થિતિ છે તે થોડો જે સમય રહેશે. પછી બધું સરસ થશે તેવી કલ્પના કરો.
- યોગનિદ્રા: સારા યોગના શિક્ષક પાસે આ પદ્ધતિ શીખવા જેવી છે. ઊંઘી નહીં જવાનું છતાં પણ જ્યારે બેચેની, સ્ટ્રેસ સતાવે ત્યારે શવાસનથી શરૂઆત કરી સ્ટ્રેસ કરનાર કોઈ પણ વસ્તુ તમારા મનમાં દાખલ ના થાય તે વિદ્યા શીખી લો.
- છેલ્લે કોઈ પણ વસ્તુ, પરિસ્થિતિ, બનાવ, વ્યક્તિને પૂર્વગ્રહથી જોવાને બદલે બધાને ગમવા અને ગમાડવા પ્રયત્ન કરો. વર્તમાન સત્ય છે. વર્તમાન કદાપિ દુ:ખી નહીં કરે એટલી ખાતરી રાખીને ‘સ્ટ્રેસ’ વગરનું જીવન જીવો.
(અમદાવાદસ્થિત ડો. નિધિ દવે હોમિયોપેથી પ્રેક્ટીશનર છે. પરિવારમાં ચોથી પેઢીના ફિઝીશ્યન એવા ડો. નિધિ હોમિયોપેથી કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હોવાની સાથે યુનાઇટેડ યુરોપિયન ગેસ્ટ્રોએન્ટ્રોલોજી સાથે પણ સંકળાયેલા છે. વન-મિલિયન યુથ એક્શન ચેલેન્જના એમ્બેસેડર છે અને વિવિધ હોસ્પિટલ્સ સાથે કન્સલ્ટન્ટ તરીકે પણ જોડાયેલા છે.)