કોઈપણ બીમારી, ઈજા કે દુર્ઘટના માટે ચિકિત્સક અથવા એમ્બ્યૂલન્સ આવતાં પહેલાં ઘણીવાર રાહતકાર્ય, ઉપચાર કે સારવાર જરૂરી હોય છે. તેને પ્રાથમિક સારવાર અથવા અંગ્રેજીમાં પ્રાથમિક સારવાર કહે છે. આ ઉપચાર દરમિયાન ઉપયોગમાં આવતાં સાધનોના સંગ્રહને ફર્સ્ટ એઇડ કિટ કહે છે.પ્રાથમિક સારવારના ઉદ્દેશ્ય છેઃ
(૧) જીવન સંરક્ષણ. જીવન બચાવવું. પ્રાથમિક ઉપચારનો મુખ્ય ઉદ્દેશ્ય છે દર્દી/બીમાર/ઘાયલ વ્યક્તિના જીવનની રક્ષા કરવી.
(૨) વધુ ઈજા થતી અટકાવવી. સ્થિતિને અધિક ખરાબ થવાથી બચાવવી. તેના માટે બાહ્ય અને આંતરિક સ્થિતિને નિયંત્રણમાં રાખવી આવશ્યક છે. આથી બાહ્ય રીતે દર્દી/ઘાયલને તેના કષ્ટ અથવા પીડાના કારણે, ખાસ કરીને દુર્ઘટના કે કુદરતી આપત્તિની સ્થિતિમાં દૂર લઈ જવામાં આવે અને આંતરિક રીતે તેની શારીરિક અને માનસિક અવસ્થાને બગડતા બચાવવામાં આવે.
(૩) સ્વસ્થતા જલદી પાછી લાવવી અથવા રોગ મુક્ત થવામાં સહાયતા કરવી. રોગીને દવા અને મલમ પટ્ટી કરીને તેને નિરોગી અને પૂર્ણતઃ સ્વસ્થ કરવી એ પ્રાથમિક સારવારનો અંતિમ ઉદ્દેશ્ય છે.
પ્રાથમિક ઉપચાર શરૂ કરતી વખતે સૌથી પહેલાં દર્દી/ઘાયલની તપાસ માટે ત્રણ ચીજો પર વધુ ભાર આપવામાં આવે છે. તેને સંક્ષેપમાં ફર્સ્ટ એઇડની એબીસીના નામથી જાણવામાં આવે છે. તે આ મુજબ છે:
- ઍર વે. ઍર વે ફર્સ્ટ એઇડના પ્રથમ ઉદ્દેશ્ય અર્થાત્ જીવનની રક્ષા સાથે સંબંધિત છે. કોઈ વ્યક્તિના પ્રાણ બચાવવા માટે એ નિશ્ચિત કરવું જરૂરી છે કે તેના વાયુમાર્ગમાં કોઈ અવરોધ ન હોય.
- બ્રેથિંગ. વાયુ માર્ગ તપાસ્યા પછી એ જોવું જોઈએ કે દર્દી/ઘાયલ સચેત અવસ્થામાં થાય અને તેને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થાય.
- સર્ક્યુલેશન. અંતમાં એ જોવામાં આવે છે કે દર્દી/ઘાયલનું રક્ત પરિભ્રમણ થઈરહ્યું છે કે નહીં. તેના માટે તેની નાડી એટલે કે પલ્સ રૅટનું નિરીક્ષણ કરવામાં આવે છે.
એબીસીની તપાસ પછી ત્રણ Bની વાત આવે છે અને તે ત્રણ B છે- બ્રેથિંગ, બ્લીડિંગ અને બૉન્સ. આ ત્રણ પર ધ્યાન આપવામાં આવે છે અને પછી સ્થિતિ અનુસાર ઉપચાર કરવામાં આવે છે.
ફ્રેક્ચર, બૉન ડિસલૉકેશન, પૉઇઝનિંગ, કટ અને વાઉન્ડ, બર્ન્સ, બ્લીડિંગ, હીટ સ્ટ્રૉક, કૉલ્ડ વૅવ, ચૉકિંગ, એનિમલ અને ઇન્સેક્ટ બાઇટિંગ, મસલ સ્ટ્રેઇન એટલે કે હાડકામાં તિરાડ, હાડકું ખસી જવું, ઝેર વ્યાપવું, ઘસરકો વાગવો, ઘા થવો, દાઝવું, લોહીની ધારા સતત થવી, ગરમીના કારણે તબિયત બગડવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, પ્રાણી અને જંતુનું કરડવું, સ્નાયુમાં ખેંચાણ થવું… આવી બધી સ્થિતિમાં પ્રાથમિક ઉપચાર કરવામાં આવે છે. આવી કોઈ પણ અવસ્થા, દુર્ઘટના, બીમારી કે કટોકટીવાળી સ્થિતિમાંથી બહાર લાવવા માટે એક ફર્સ્ટ એઇડ કિટ રાખવી ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં જો તમારી પાસે ફર્સ્ટ એઇડ કિટ હોય (ન હોય તો વસાવવી લેવી હિતાવહ છે) તો તમે પોતે પણ દુર્ઘટના/બીમારીથી તરત જ છૂટકારો મેળવી શકો છો અથવા તમારા પરિચિત કે અપરિચિતને છૂટકારો અપાવી શકો છો.
ફર્સ્ટ એઇડ કિટમાં શું-શું સાધન રાખવાનાં છે તે તેનો ઉપયોગ કરનારાના જ્ઞાન અને અનુભવ પર નિર્ભર કરે છે. સામાન્ય રીતે કિટમાં નિમ્નલિખિત સાધન રાખવામાં આવે છે.
દરેક કદની ૨-૩ પટ્ટી (બેન્ડ-એઇડ), રૂ, નાનકડી કાતર, સાણસી, પ્લાસ્ટિક કે રબ્બરનાં હાથમોજાં, એન્ટિસેપ્ટિક લૉશન, સેફ્ટી પિન, થર્મોમીટર, સર્જિકલ ટેપ, એન્ટિ બૅક્ટેરિયલ મલમ, આઈ પેડ, સ્ટરાઇલ આઈ વૉશ, ઑઆરએસ, એલોવીરા જેલ (દાઝવા પર)
આ ઉપરાંત ઋતુ પરિવર્તન વખતે તાવ, શરદી, ઝાડા, જેવી બીમારી અચાનક આવી જાય ત્યારે બજારમાં દવા લેવા જવા કરતાં કેટલીક દવા ઘરમાં રાખવી સારી જેમ કે સુદર્શનનું ચૂર્ણ કે ટીકડી, ઉધરસ માટેની દવા કે સિરપ, હળદર તો રસોડામાં હોય જ જેને લોહી નીકળતું હોય કે શરદી થઈ હોય તો તરત લગાવી કે ફાકડો મારી શકાય.
સાથે જ દર છ મહિનામાં દવાઓ અને અન્ય સાધનોની ઍક્સપાઇરી ડૅટ પણ જોતા રહો અને તેને જરૂરિયાત મુજબ બદલતા રહો.